બનાસકાંઠા: જિલ્લામાં કોરોના તેનો કહેર વરસાવી રહ્યો છે. દરરોજ 25થી 30 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ રહ્યા છે અને અત્યાર સુધી દર્દીઓની સંખ્યા 630 સુધી પહોંચી ગઈ છે. ત્યારે આજે ગુરૂવારે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સરકારી વિશ્રામગૃહ એટલે કે પથિકાશ્રમમાં રસોઈ બનાવતા દંપતીને કોરોનાના લક્ષણો જણાતા તંત્ર હરકતમાં આવી ગયું છે.
આ પથિકા આશ્રમમાં રોજના અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકીય આગેવાનો પણ જમવા માટે આવતા હતાં, ત્યારે દંપતીના હાથે બનાવેલું ભોજન અને તેમના સંપર્કમાં પણ અનેક લોકો આવ્યા છે. જેના કારણે આ શંકાસ્પદ દંપતીના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓ અને રાજકીય આગેવાનોમાં પણ ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગે પણ આ દંપતીને આઇશોલેશન કરી તેમના સેમ્પલ તપાસ અર્થે મોકલી આપ્યા છે. જ્યારે પથિકાશ્રમ વિસ્તારને પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને યાદી બનાવી તેમને પણ કન્ટેન્ટમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.