બનાસકાંઠા : સરકાર દ્વારા થરાદથી સીપુ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. જે પાઇપલાઇન ડીસા તાલુકાના રામસણ ગામમાંથી પસાર થાય છે. અહીં ટેન્ડર ઇન્ડિયન હ્યુમ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં છે. પરંતુ ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી તેવી ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે.
પાકને નુકસાન : ખેડૂતોનું માનીએ તો ખેતરોમાંથી જે પાઇપલાઇન નાખવામાં આવે છે તેની આજુબાજુમાં 30 મીટર સુધી કોઈ જ વાવેતર થઈ શકે નહીં. જ્યારે પાઇપ નાખવા માટે હેવી મશીન અને ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. આથી તેમના ખેતરમાં વાવેતર કરેલા અન્ય પાકને પણ નુકસાન થયું છે. આ અંગે ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે વારંવાર મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. તેમ છતાં પણ હજુ સુધી ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી. ત્યારે સરકાર ખેડૂતોની વાત સાંભળી ખેડૂતોને થયેલ નુકશાનીનું પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે.
અધુરું વળતર : કંપનીના માણસોએ પાઇપલાઇન નાખવાની શરૂઆત કરી ત્યારે પૂરતું વળતર આપવાની વાત કરી હતી. પરંતુ ત્યારબાદ ખેતરમાં પાઇપલાઇન નાખતા ફુવારાને નુકસાન થયું છે. ખેતી પાકને પણ નુકસાન થયું છે. મોટર અને મશીનોના હેવી અવાજથી પશુઓ પણ ભડકીને મરી ગયા છે. આમ ખેડૂતોને અંદાજિત 1 થી 3 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. જેની સામે કંપનીએ માત્ર 8000 થી 10,000 જેટલું વળતર ચૂકવ્યું છે.
અમારી કંપની દ્વારા પાઇપલાઇન નાખવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા હતા તે અમે પૂરી દીધા છે. હજુ પણ અમારું કામ ચાલુ છે. જે ખેડૂતોનો પ્રશ્ન છે કે, ખાડાઓના કારણે ગાય પડી છે તે તદ્દન ખોટી વાત છે. ખાડામાં ગાય પડવાથી તેનું મૃત્યુ થાય એટલો બધો ઊંડો પણ નથી. એ બાબતે ખેડૂતો ખોટા છે અને જે વળતર આપવાની વાત છે તે અમારા અંડરમાં આવતી નથી. તે કંપનીના જે તે અધિકારીઓ જાણતા હોય છે. -- ગૌરાંગભાઈ (કંપનીના કોન્ટ્રાક્ટર)
કંપનીએ છેતર્યા ? આ બાબતે રામસણ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારા ખેતરોમાંથી કંપની દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. ત્યારે કંપનીએ અમને કીધું હતું કે, અમે તમને યોગ્ય વળતર આપીશું. પરંતુ અમારા ખેતરમાંથી પાઇપલાઇન નાખ્યા બાદ કંપનીના કોન્ટ્રાક્ટર અને કંપનીના અધિકારીઓ દ્વારા અમને માત્ર આઠ-દસ હજાર રૂપિયા વળતર આપવામાં આવ્યું છે. અગાઉ એક લાખ આજુબાજુનું વળતર આપવાની વાત કરી હતી. હવે એ પ્રમાણે વળતર આપતા નથી.
ખેડૂતોના આક્ષેપ : આ ઉપરાંત કંપનીએ પાઇપ નાખવા માટે મોટા મોટા ખાડા ખોદ્યા હતા. તે ખાડાઓ પણ પૂરવામાં આવ્યા નથી. જેના કારણે અમારી ગાયો-ભેંસો અંદર પડીને મરી રહી છે. જ્યારે જ્યારે અમે કોન્ટ્રાક્ટર અને કંપનીના અધિકારીઓને રજૂઆત કરીએ ત્યારે એ લોકો અમને ધમકી આપે છે અને વળતર આપતા નથી.