- જમીન પચાવી પાડવા પર ત્રણ ફરિયાદ
- કલેક્ટરની સૂચનાથી ભુમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી
- સરકારી જમીનો પર વર્ષોથી અડિંગો જમાવનારા તત્વોમાં ફફડાટ
- આગામી સમયમાં અનેક વ્યક્તિઓ સામે થઈ શકે છે કડક કાર્યવાહી
બનાસકાંઠાઃ ગુજરાત સરકારે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 હેઠળ સમગ્ર રાજ્યમાં 16 ડિસેમ્બર-2020થી આ કાયદાનો કડક અમલ કરવાનું જાહેર કર્યું હતું. આ બાબતે બનાસકાંઠા જિલ્લામાં 4 જાન્યુઆરીએ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતાવાળી કમિટીની બેઠક મળી હતી. જેમાં જમીન પચાવી પાડનારા તત્વો સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવા કલેક્ટર આનંદ પટેલ દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા.
3 ઈસમોએ સરકારી જમીન પચાવી
પાલનપુર મામલદાર તરફથી 29 ડિસેમ્બર 2020ના રોજ સર્વે નંબર સાથે થયેલી દરખાસ્તના આધારે બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બનેલી કમિટી દ્વારા ત્રણ માથા ભારે શખ્સો વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ત્રણ ઈસમોએ પાકા દબાણો કરી સરકારી જમીન પચાવી પાડી હોવાનું જાણવા મળ્યું છે.
ગુનો સાબિત થશે તો 10થી 14 વર્ષની સજાઃ કલેક્ટર
આ અંગે કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, લેન્ડ ગ્રેબિગ એક્ટની જોગવાઈ મુજબ એ.એસ.પી. સુશીલ અગ્રવાલ તપાસ કરી રહ્યા છે. જો આ ફરિયાદ સાબિત થશે તો કાયદામાં 10થી 14 વર્ષની સજાની જોગવાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે તત્ત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જમીન પચાવનારા આરોપીની વિગત
(1) અસદ ઉસ્માન પટેલ અને જાવેદ ઉસ્માન પટેલ
જે.પી માર્કેટીંગ.
ગામ:- ભાગળ તા. પાલનપુર
દબાણનું ક્ષેત્રફળ હે. આરે. ચો.મી :- આશરે 3-00-00
(2) રાણા લાલજીભાઈ , નાગોરી મજજીદભાઈ
ગામ:- ગોળા, તા. પાલનપુર
દબાણનું ક્ષેત્રફળ હે.આરે.ચો.મી:- આશરે 3-46-50
(3) ઠાકોર પ્રતાપભાઈ દલજીજી
ગામ:- ગોળા, તા. પાલનપુર
દબાણનું ક્ષેત્રફળ હે.આરે.ચો.મી:- 1-38-42