- બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવમાં ચિંતાજનક વધારો
- નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો
- કેનાલમાંથી મૃતદેહો મળતા રાત્રી પેટ્રોલિંગ વધારવા માગ
બનાસકાંઠાઃ જિલ્લાના નર્મદા મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો અટકવાનું નામ જ લેતું નથી. થોડા દિવસ અગાઉ એક મહિલાની હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ગત રવિવારે કાંકરેજની મુખ્ય નર્મદા કેનાલમાંથી મહિલાનું માથું અને હાથ-પગ વગરનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા આપી છે. બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા પાછળનું કારણ પૈસાની લેતી-દેતી અને પ્રેમ પ્રકરણ બહાર આવી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલ સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલ પર હત્યા જેવી ગુનાહીત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. વારંવાર હત્યાના બનાવો સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.
રવિવારે થરાના ખારિયાના નર્મદા કેનાલના સાયફનમાં મહિલાનો તરતો મૃતદેહ મળી આવતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી મૃતદેહને બહાર કાઢ્યો હતો. થરા પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે થરાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.
વારંવાર નર્મદા કેનાલમાંથી મતદેહો મળતા રાત્રિ પેટ્રોલિંગ વધારવા માગ
બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલમાં દિવસેને દિવસે મૃતદેહ મળે છે ત્યારે પોલીસ દ્વારા નર્મદાની મુખ્ય કેનાલની આજુબાજુના વિસ્તારમાં રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે તો જ આવી ગુનાહીત પ્રવૃત્તિઓ બનતી અટકી શકે તેમ છે. ત્યારે આ મહિલાની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે.