- થરાદમાં દોરડા વડે બાંધેલ યુવાનનો મૃતદેહ મળ્યો
- યુવાન ઘરેથી 40 લાખ રૂપિયા લઈ નીકળ્યો હતો દાડમની ખરીદી કરવા
- પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠા : થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક ફ્રૂટના વેપારીને ગળે ટૂંપો આપી દઈ તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. ડીસામાં રાજીવ ગાંધી કોમ્પલેક્ષમાં ફ્રુટનો વ્યવસાય કરતા સંજય ઉર્ફે સંતોષ પરમાર અવારનવાર ફ્રુટની ખરીદી માટે થરાદ તરફ જતા આવતા હતા. તેમજ તેઓ સોમવારની મોડી રાત્રે ઘરેથી સ્વિફ્ટ કારમાં 40 લાખ રૂપિયા લઈને દાડમની ખરીદી કરવા માટે થરાદ જવા નીકળ્યા હતા. જોકે, મોડી રાત્રે તેમની પત્ની સાથે વાતચીત થયા બાદ તેમનો મોબાઈલ બંધ થઇ જતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેથી તેમના પરિવારજનોએ થરાદ તરફ તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત સુધી સંતોષભાઈનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. જ્યારે મંગળવારે વહેલી સવારે થરાદ પાસે કેનાલમાંથી તેમનો મૃતદેહી મળી આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે તેમને ગળે ટૂંપો આપી દઇ હત્યા કરી તેમના હાથ દોરડાથી બાંધી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમની કાર અને 40 લાખ રૂપિયા પણ ગાયબ હતા.
ફોન સ્વીચ ઓફ આવતા પરિવારે તેમની શોધખોળ હાથ ધરી
આ ઘટનાની જાણ થરાદ પોલીસને થતાં પોલીસ હત્યા કરાયેલ જગ્યા પર પહોંચી હતી. જ્યાં પોલીસે સ્થળ પર મૃતદેહની તપાસ કરતા મૃતદેહ દોરડા વડે બાંધેલ હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ ઘટના સ્થળે પરિવારની પૂછતાછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતક ઘરેથી 40 લાખ રૂપિયા લઇ દાડમની ખરીદી કરવા માટે સોમવારની મોડી રાત્રે ઘરેથી પોતાની ગાડી લઈને નીકળ્યા હતા. જે બાદ સવારે તેમનો ફોન સ્વીચ ઓફ આવતા પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે નર્મદા કેનાલ પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા કોઈએ તેમની હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાની પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હાલ હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓની ઘટનામાં નોંધપાત્ર વધારો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક મહિનામાં એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને લોકો પૈસાની લેવડદેવડ અને અંગત અદાવતમાં હાલ એકબીજાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક મહિનામાં અનેક હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રોજબરોજ આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા ગુનેગારો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર બનતી હત્યાની ઘટના અટકી શકે તેમ છે.