બનાસકાંઠાઃ જિલ્લા સહિત રાજસ્થાનમાં અનેક સ્થળો પર સારો એવો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતની બોર્ડર પર અને રાજસ્થાનનો હિલ સ્ટેશન ગણાતું માઉન્ટ આબુ પોતાની કુદરતી સૌંદર્યના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દર વર્ષે પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુના કુદરતી સૌંદર્યને નિહાળવા માટે આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે માઉન્ટ આબુમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેના કારણે માઉન્ટ આબુનું કુદરત સુમસામ બન્યું હતું. જે બાદ રાજસ્થાન સરકાર દ્વારા કોરોના વાઇરસની સંખ્યામાં ઘટાડો થતા માઉન્ટ આબુમાંથી પ્રવેશ બંધી હટાવી લેવામાં આવી હતી. જેના કારણે ધીમે ધીમે સહેલાણીઓ માઉન્ટ આબુ તરફ વળ્યા છે.
માઉન્ટ આબુમાં 2 દિવસમાં 28 ઇંચ જેટલો વરસાદ ખાબકતા તમામ નદી-ઝરણાં શરૂ થઈ ગયા છે. હાલમાં પડી રહેલા વરસાદના કારણે કુદરત જાણે સોળે કળાએ ફરી એકવાર ખીલી ઉઠી હોય તેઓ સૌંદર્ય જોવા મળી રહ્યું છે. કોરોના વાઇરસ બાદ કુદરતે જાણે નવેસરથી પોતાની સફર શરૂ કરી હોય તેમ વરસાદી પાણીના છંટકાવથી માઉન્ટ આબુમાં ચારેબાજુ લીલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ માઉન્ટ આબુમાં નદી અને ઝરણાં શરૂ થતાં સાક્ષાત સ્વર્ગનાં દર્શન થતાં હોય તેઓ જોવા મળી રહ્યું છે.
આમ તો માઉન્ટ આબુમાં બારેમાસ સારૂં એવું કુદરતી વાતાવરણ રહેતું હોય છે, પરંતુ ગત 7 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે હાલનું વાતાવરણ રમણીયા બની ગયું છે. આ વાતાવરણનો લાભ લેવા માટે ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે.
માઉન્ટ આબુના જંગલોમાં મોટી સંખ્યામાં રીંછ વસવાટ કરે છે, ત્યારે આ કુદરતી સૌંદર્યને નિખારવા માટે રીંછ પોતાના પરિવાર સાથે જોવા મળ્યું હતું. આ રીંછના પરિવારને જોતા તેઓ કુદરતના આ રમણીય વાતાવરણ સાથે રમત રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.