બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. મંગળવારે વહેલી સવારથી જ અમીરગઢ પાસે આવેલી બનાસ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બનાસકાંઠામાં ગત્ વર્ષે ભારે દુષ્કાળના કારણે ખેતરોમાં પાકને પાણી ન મળતા નિષ્ફળ ગયો હતો, ત્યારે આ વર્ષે બનાસ નદી બે કાંઠે વહેતી હોવાથી લોકોમાં આનંદ છવાયો છે. આ વર્ષે સિઝનમાં ચોથીવાર બનાસનદી બે કાંઠે વહી રહી હોવાથી દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ છે, ત્યારે બનાસનદી 24 કલાક વહેતી રહે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.