- ગુજરાતના મુખ્ય પ્રધાનના આગમનની તૈયારી
- વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
- પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ
બનાસકાંઠાઃ ધાનેરા વિસ્તારની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા રૂપિયા 241.34 કરોડના ખર્ચે સીપુ જૂથ યોજનામાં નર્મદાના નીર ઠલવાશે. જે કાર્યને લઇને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 6 ડિસેમ્બર-2020ના રોજ ધાનેરા મુકામે કે. આર. આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવશે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
કરોડોના ખર્ચે સીપુ યોજનાનું ખાત મુહૂર્ત
બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરોડોના ખર્ચે સીપુ યોજનાનું ખાત મુહૂર્ત કરવામાં આવનાર છે. જે અંતર્ગત કાર્યક્રમને અનુલક્ષી બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે કોરોનાની ગાઇડલાઇન સાથે 12 જેટલાં બ્લોક બનાવી એક બ્લોકમાં45 થી 50 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના ટેસ્ટીંગનું સેન્ટર પણ ઉભું કરી 15 જેટલી આરોગ્ય વિભાગની ટીમો તૈનાત રાખવા કલેક્ટરે આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના ૧૧૯ ગામો અને ધાનેરા શહેર માટે નર્મદા મુખ્ય નહેરમાંથી ભાપી ઓફટેક આધારિત સીપુ જુથ સુધારણા પાણી પુરવઠા યોજના અંતર્ગત ફેઝ- 1, ફેઝ- 2 અને ફેઝ -3 હેઠળના કામોના ખાત મુર્હૂત કરવામાં આવશે.
કનેક્ટીવીટીના કામોનું પણ ખાત મુહૂર્ત
જેનાથી આ વિસ્તારની કુલ-3,91,000 વસ્તીને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે. ફેઝ -1 માટે રૂપિયા 113.99 કરોડ અને ફેઝ -2 માટે રૂપિયા 66.97 કરોડ તથા ફેઝ- 3 માટે રૂપિયા 54.70 કરોડ મળી કુલ રૂપિયા 235.66 કરોડ રાજય સરકારે ફાળવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના 48 ફળીયાઓ માટે રૂપિયા 5.68 કરોડના ખર્ચે સીપુ જુથ અતર્ગત ફળીયા કનેક્ટીવીટીના કામોનું પણ ખાત મુહૂર્ત કરાશે. આમ સરકાર દ્વારા કુલ રૂપિયા 241.34 કરોડ રૂપિયાના ખર્ચે પાણી માટેના કામો થશે. રાજ્ય સરકારના આ પાણીદાર આયોજનના લીધે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા વિસ્તારને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળશે. નલ સે જલ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની આંતરીક માળખાકીય સુવિધા પુરી પાડવા તથા દરેક ઘરને ઘર આંગણે નળ કનેકશન મારફતે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની સરકારની નેમ સાથે બનાસકાંઠા જિલ્લાના 31 ગામો માટે રૂપિયા 1.83 કરોડના ખર્ચે ખાત મુહૂર્ત થઈ રહ્યું છે. આ કામો પૂર્ણ થયેથી જુદા-જુદા નવ તાલુકાના 31 ગામોની કુલ- 65, 359 વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે તથા બનાસકાંઠા જિલ્લાના 78 ગામો માટે રૂપિયા 2.89 કરોડના ખર્ચે પૂર્ણ થયેલી યોજનાના લોકર્પણ કરાશે.
બનાસકાંઠા જિલ્લાના 3 તાલુકાઓમાં પાણીની સમસ્યા દૂર
બનાસકાંઠા જિલ્લાના તમામ 3 તાલુકાના 78 ગામોની 2,38,046 વસ્તીને પીવાના પાણીનો લાભ ઘર આંગણે નળ કનેક્શન મારફતે મળશે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની મોટી સમસ્યા લોકો સામનો કરી રહ્યા હતા પરંતુ સીધું યોજના અંતર્ગત આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાના 3 તાલુકાઓમાં પાણીની સમસ્યાનો હાલ થશે.