ગુજરાતનું જ નહીં પણ ભારત ભરના કરોડો શ્રદ્ધાળુંઓનો આસ્થાનું સ્થાન એટલે કે, યાત્રાધામ અંબાજી છે. જ્યાં વર્ષ દરમિયાન લાખો પદયાત્રીઓ દ્વારા ભરાતો ભાદરવી પુનમના મેળાની વર્ષો જુની પરંપરાને શ્રદ્વાળુંઓએ આજે પણ જાળવી રાખી છે.
છેલ્લા 185 વર્ષથી અમદાવાદથી લાલ ડંડાનો સંઘ પોતાની પરંપરા મુજબ અંબાજી ખાતે 500 જેટલા સંઘવી અને 61 જેટલી લાલ ધજાઓ લઇ માં અંબાના દ્વારે પહોંચ્યો છે. પહેલા ખોડીયાર માતાના મંદિરે કુમકુમના થપ્પા લગાવવામાં આવે છે અને પછી સંઘવીઓને પણ થપ્પો લગાયા પછી મંદિરમાં માતાજીને ધજા ચઢાવવામાં આવે છે. આ સંઘ સૌથી જુનો અને સૌથી મોટો માનવામાં આવે છે. કહેવાય છે કે, અમદાવાદ શહેરમાં પ્લેગના રોગચાળાને ડામવા આ અંબાજી પદયાત્રાની બાધા રાખવામાં આવી હતી. જે પરીપુર્ણ થતાં આ શ્રદ્ધાના વહેણ પદયાત્રા રૂપી આજે પણ વહી રહ્યા છે. વર્ષો જુની પરંપરાને આજે પણ નિભાવી સાથે અનેક બાધા રાખેલાં શ્રદ્ધાળુંઓ પણ આ સંઘમાં જોડાય છે. સમગ્ર અંબાજી મંદિર પણ આ એક સાથે ધજાઓ આવતાં ચાચરચોક જાજરમાન બની જાય છે.