બનાસકાંઠાઃ જિલ્લામાં માર્ગ અકસ્માત દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો થયા છે. આવા ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાની મહામૂલી જિંદગી ગુમાવી છે.
મહત્વનું છે કે થરાદ-સાચોર હાઇવે પર છેલ્લા ઘણા સમયથી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. બીજી તરફ થરાદ પાસે મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે થોડા દિવસ અગાઉ થરાદ હાઈ-વે પર સર્જાયેલા અકસ્માતમાં સગા બે ભાઈ બહેનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જે વાતની સાહી હજી સુકાઈ નથી, ત્યારે રવિવારના રોજ વધુ થરાદ-ઢીમાં રોડ પર બાઈક અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેલરવાળાએ બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર શિક્ષક ઉમેશભાઈ પરમારનું ઘટના સ્થળે માથાના ભાગે ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું.
જ્યારે બાઈક પાછળ બેઠેલ એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે થરાદ રેફરલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની જાણ થરાદ પોલીસને થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર ટેલર ચાલકની શોધખોળ હાથ ધરી છે.