- ડીસામાં વેરો ન ભરનારા વેપારીઓ સામે કરાઈ કડક કાર્યવાહી
- વેરા વસૂલાત માટે મિલકતો કરાઈ સીલ
- નગરપાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ
બનાસકાંઠાઃ એક પછી એક વિવાદોમાં સપડાઈ રહેલું ડીસાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વધુ એક વિવાદમાં સપડાયું છે. અગાઉ બજાર સમિતિના ચેરમેન માવજી દેસાઈએ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વિરુદ્ધ પેનલ બનાવીને ચર્ચામાં આવ્યા હતા. ત્યારે મંગળવારે ડીસાનું માર્કેટ બાકી વેરાને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
માર્કેટ યાર્ડમાં વેપારી અસોસિએશનનો મિટિંગ હોલ કરાયો સીલ
ડીસા માર્કેટ યાર્ડમાં વેપારી અસોસિએશનનો મિટિંગ હોલ છેલ્લા 6 વર્ષથી વેરો ભરેલો નહીં હોવાના લીધે પાલિકાએ સીલ કર્યો છે. છેલ્લા 6 વર્ષ દરમીયાન આ ભરણું 5 લાખ 90 હજારનું થઈ ગયું હતું. ડીસા નગરપાલિકા દ્વારા અનેકવાર લેખિતમાં નોટિસ આપવામાં આવી હોવા છતાં માર્કેટ યાર્ડ દ્વારા વેરાની ભરપાઈ નહી કરવામાં આવતા ડીસા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીને પગલે બાકી વેરાધારકોમાં ફફડાટ મચી ગયો છે.
ડીસા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરાઈ
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ દ્વારા નગરપાલિકામાં વેરો ભરવામાં આવતો ન હતો. ડીસા નગરપાલિકા દ્વારા અવારનવાર વેપારીઓને વેરો ભરવા માટે સૂચના આપવા છતાં વેપારીઓ દ્વારા વેરો ન ભરવામાં આવતા મંગળવારે ડીસા નગરપાલિકા દ્વારા તમામ વેરા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને જે પણ બાકીદારો છે તેમની મિલકત સીલ કરવામાં આવી હતી. સૌ પ્રથમ ડીસા નગરપાલિકા દ્વારા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલા વેપારીઓના મિટિંગ હોલને સીલ કરી દેવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડ દ્વારા આ વેપારી હોલનો વેરો છેલ્લા 6 વર્ષથી ભરવામાં આવ્યો ન હોવાને લીધે ડીસા નગરપાલિકા દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આગામી સમયમાં હજુ પણ જો વેપારીઓ દ્વારા વેરો નહીં ભરવામાં આવે તો થશે વઘુ કાર્યવાહી
ડીસા નગરપાલિકા દ્વારા તમામ બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી ડીસા નગરપાલિકામાં વેરો ન ભરતા આજથી ડીસા નગરપાલિકા દ્વારા આ તમામ બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં હજુ પણ જો વેપારીઓ દ્વારા વેરો નહીં ભરવામાં આવે તો તેમની સામે કડક કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.