- બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાની ઘટનાઓમાં વધારો
- પાલનપુર ખાતે અંધશ્રદ્ધામાં સારવાર લીધેલા કોરોના દર્દીનુ મોત
- આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠાઃ દેશ ભલે 21મી સદીના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે. આજે પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નાની મોટી બીમારીઓમાં ગ્રામીણ વિસ્તારના લોકો અંધશ્રદ્ધામાં સારવાર કરાવતા હોય છે.
આ પણ વાંચોઃ પાલનપુરમાં અંધશ્રદ્ધાએ કોરોના દર્દીનો લીધો જીવ, વીડિયો વાયરલ
ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
પાલનપુરમાં એક કોરોના ગ્રસ્ત દર્દીને તેના ગુરૂએ મંત્ર, તંત્ર, જાપ અને વિધિ કર્યા બાદ દર્દીનું મોત થયું હોવાના વાઇરલ થયેલા વિડિયો મામલે પાલનપુર પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે, આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે એક મહિના અગાઉ કચ્છના આડેસર ખાતે રહેતા ભવનભાઈ પ્રજાપતિને એક મહિના અગાઉ પાલનપુરના રામજીનગર ખાતે રહેતા તેમના નાનાભાઈ દિનેશભાઈ પ્રજાપતિના ઘરે આવ્યા હતા. પાલનપુર આવ્યા બાદ ભવનભાઇ કોરોના સંક્રમિત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા પરંતુ કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતા દર્દીને ઘરે પરત લાવ્યા હતા અને ઘરે તબીબી સારવારના બદલે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરૂ મોહન ભગતને વિધિ માટે બોલાવ્યા હતા.
ગુરૂએ દર્દી પર મંત્ર જાપ અને વિધિ કરી
આ સમયે દર્દીને દવાની નહીં પરંતુ દુવાની જરૂર છે તેમ કહી દર્દીના ગુરૂએ તેમના પર મંત્ર જાપ અને વિધિ કરી હતી. ગુરૂ મોહન ભગતે કોરોનાગ્રસ્ત દિનેશભાઈને જમીન પર સીધા સુવડાવી તેના પેટ પર પગ મૂકી મંત્ર, તંત્ર અને વિધિ કરી હતી. બાદમાં ગુરૂએ ભવનભાઈને જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા પરંતુ થોડા સમય પછી દર્દી ભવનભાઈનું મૃત્યુ થયું હતું. જોકે આ સમગ્ર ઘટનાનો વિધિ કરતો વીડિયો દર્દીના મૃત્યુના 20 દિવસ બાદ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું,
આ પણ વાંચોઃ આ તે કેવી અંધશ્રદ્ધા: ગામમાં કોરોના કેસ ઘટાડવા ગ્રામજનોએ વિધિ માટે સરઘસ કાઢ્યું, પોલીસે ગુનો દાખલ કર્યો
પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી
આ મામલે તપાસ કરતા કોરોનાના દર્દી પાસે માસ્ક વગર રહેવું, સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવું અને અંધશ્રદ્ધા ફેલાવવાનું જણાતા વિધિ કરનાર ગુરૂ મોહન ભગત, મોહન ભગતના ભાઈ તેમજ મૃતકના ભાઈ દિનેશભાઈ પ્રજાપતિ સહિત ત્રણ લોકો સામે IPC 188 અને એપિડેમિક એક્ટ મુજબ ફરિયાદ નોંધી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.