- બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાની ઘટનાઓમાં વધારો
- કોરોના વાઇરસની મહામારીમાં પણ લોકો અંધશ્રદ્ધાથી લઈ રહ્યા છે સારવાર
- પાલનપુર ખાતે અંધશ્રદ્ધામાં સારવાર લીધેલા કોરોના દર્દીનું મોત
બનાસકાંઠાઃ દેશ ભલે 21મી સદીના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય, પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે. આજે પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નાની-મોટી બીમારીઓમાં ગ્રામીણ વિસ્તારના લોકો અંધશ્રદ્ધામાં સારવાર કરાવતા હોય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધામાં મોટી માન્યતાઓ જોવા મળી રહી છે. અનેકવાર બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ આ તે કેવી અંધશ્રદ્ધા: ગામમાં કોરોના કેસ ઘટાડવા ગ્રામજનોએ વિધિ માટે સરઘસ કાઢ્યું, પોલીસે ગુનો દાખલ કર્યો
કોરોનાની સારવાર અંધશ્રદ્ધા દ્વારા
જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે ઘરે જ તેમના ગુરુએ વિધિ કર્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કચ્છના આડેસર ગામે રહેતા ભવન પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાઇરસથી સંક્રમિત થતાં સારવાર માટે ડીસમાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા, પરંતુ ડીસામાં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં ગયા હતા. જો કે, તે સમયે પાલનપુરમાં તેમના અન્ય ભાઈના ઘરે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરુ ભવનભાઈની તબિયતના સમાચાર લેવા માટે આવ્યા હતા અને તે સમયે તેમણે હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જશે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. આ દરમિયાન ગુરુએ ચેલા માનતા કોરોનાગ્રસ્ત ભવનભાઈના સીધા સુવડાવી તેમના પેટ પર એક પગ મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને તે જલદી સાજા થઇ જશે તેવા આશિર્વાદ આપ્યા હતા.
અંધશ્રદ્ધામાં દર્દીનું મોત
જો કે, આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ ભવનભાઈની તબિયત વધુ લથડતા તેનું મોતનું નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના 20 દિવસ અગાઉની છે અને હવે 20 દિવસ પછી કોરોનાગ્રસ્ત દર્દી પર વિધિ થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હકીકત સામે આવી છે. આ મામલે તેમના મૃતકના પરિવારજનો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે, બીજી તરફ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે તપાસ કરવાનું અને કંઈ તથ્ય હશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી.