બનાસકાંઠાઃ સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અવનવા ઉપાયો કરી રહ્યું છે. ખાસ કરીને કોરોના વાઇરસ વિશે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ લાવવા માટે સરકાર પણ દિવસ રાત મહેનત કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ મળી આવતા હાલ તેનાથી બચવા માટેના પ્રયાયો કરવામાં આવી રહ્યાં છે.
કોરોના વાઇરસ અન્ય જગ્યાઓ ન ફેલાય તે માટે પણ લોકોને સાવચેતીના ભાગરૂપે સલાહ સુચન આપવામાં આવી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસથી બચવા માટે તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે.
કોરોનારૂપી રાક્ષસને ડામવા માટે હવે સામાજિક સંસ્થાઓ પણ પોતપોતાના ક્ષેત્રમાં લોકજાગૃતિના પ્રયાસો કરી રહીં છે. તે દરમિયાન બનાસકાંઠાના ડીસામાં પણ નગરસેવક અને સામાજિક સંસ્થા સંચાલક દ્વારા ગરીબ વિસ્તારોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉકાળાનો કેમ્પ શરૂ કરાયો હતો.
નગરસેવક જીતુભાઈ રાણા દ્વારા ડીસામાં વિવિધ 10 જગ્યાએ ઉકાળાના કેમ્પ શરૂ કરી ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને અંદાજે હજારથી પણ વધુ લોકોને ઉકાળાનું વિતરણ કરાયું છે. આ ઉપરાંત ડીસા શહેરમાં અત્યારે 50 જગ્યાએ ઉકાળાનું વિતરણ કરી લોકોના મુક્ત રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.