આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે બનાસકાંઠા લોકસભા બેઠક અંગે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચૂંટણી તથા મતદાન અંગેની વ્યવસ્થાની જાણકારી આપવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સંદીપ સાગલે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં કુલ 11,65,657 પુરુષ મતદારો અને 10,63,734 મહિલા મતદારો તથા અન્ય 10 મળીને કુલ 22,69,601 મતદારો છે.
જિલ્લાના કુલ 1575 પોલીંગ બુથ પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે. આ ચૂંટણીમાં તમામ EVM મશીન અને VVPET મશીન નવા આવ્યા છે. તેની ચકાસણી પણ કરવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ ફોનમાં એપ લોન્ચ કર્યા પછી તેના પર ચૂંટણી સંબંધી કોઈ પણ ફરિયાદ કરી શકાશે. મતદારોને લલચાવવા દારૂ આપવા, ખાનગી મિલકતો પર વગર મંજૂરી પ્રચાર કરવો, હથિયાર, મતદારો માટે વાહન કે અન્ય સુવિધા પૂરી પાડવી, ખોટા સમાચાર અફવા ફેલાવવવા વગેરે અંગે ફોટો પાડીને વીડિયોગ્રાફી કરીને ફરિયાદ કરી શકાશે.
આવી ફરિયાદ મળ્યા પછી સર્વેલન્સ ટીમ,ફ્લાયઇંગ સ્ક્વોડ કે ચૂંટણી સમિતિ દ્વારા તરત જ પગલાં લેવામાં આવશે. આ ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો માટે પણ તંત્રએ અલગ વ્યવસ્થા કરી છે. BLO મફ્ત વિલચેર કે વાહનની વ્યવસ્થા કરી આપવામાં આવશે. દરેક વિધાનસભા દીઠ એક આદર્શ મતદાન મથક બનાવવામાં આવશે .આદર્શ મતદાન મથકમાં મતદારોની બેસવા માટે ખુરશીની વ્યવસ્થા તેમજ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગો માટે ૭૦ થી વધુ વહીલ ચેરની વ્યવસ્થા કરાઇ છે તેમજ વિકલાંગ મતદારો માટે ૪૪૭ સાથી સહાયકોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે.