ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને ડીસા શહેરના હાઈ-વે વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં ઘણા અકસ્માતો સર્જાયા છે. જેમાં કેટલા માસુમ લોકોની આવા અકસ્માતોમાં જિંદગી હોમાય છે ત્યારે હાલમાં ડીસા શહેરમાં હાઈ-વે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સર્વિસ રોડ પર હાલમાં હેવી વાહનો પસાર થતાં હોવાના કારણે રોજના બે-ત્રણ અકસ્માતો સર્જાય છે જેના કારણે પસાર થતાં વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે ડીસાના પાસે આવેલી આકાશ વિલા સોસાયટી પાસેથી હાલમાં સર્વિસ રોડની કરવામાં આવ્યો છે જે રોડ પર રોજના 200થી 500 જેટલા વાહનો પસાર થાય છે જેના કારણે સોસાયટીમાં રહેતા લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.
આ વિસ્તારમાં અભ્યાસ માટે નાના બાળકો પણ અહીંથી પસાર થાય છે બીજી બાજુ સાંજના સમયે બધી ગૃહિણીઓ શાકભાજી લેવા માટે પણ જાય છે પરંતુ આ સર્વિસ રોડ પરથી ભારે વાહનોની અવર જવરના કારણે રોડ ક્રોસ કરવા માટે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ છેલ્લા પાંચ દિવસમાં આ સર્વિસ રોડ પર અનેક અકસ્માતો સર્જાયા છે.
જેના કારણે આ વિસ્તારના લોકોની માગ છે કે, હાઇ-વે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ પર બમ્પ બનાવવામાં આવે અને મેઈન હાઈ-વેને જોડી ડાઇવર્ઝન આપવામાં આવે છે જેના કારણે અહીંથી મોટા વાહનો પસાર થઈ શકે નહીં અને વારંવાર સર્જાતા અકસ્માતો નિવારી શકાય.