ડીસા : બનાસકાંઠાએ પશુપાલન પર નભતો જિલ્લો છે, અહીંયા મોટાભાગના લોકો પશુપાલન પર નિર્ભર છે, ત્યારે કોરોનાને લઈને 21 દિવસના લોકડાઉનની સ્થિતિમાં પશુપાલકોની હાલત કફોડી બની રહી છે. લોકડાઉનના કારણે હાલ વિવિધ પશુઆહારના ભાવમાં 50થી 400 રૂપિયા સુધીનો ભાવ વધી ગયો છે. જેથી પશુપાલન પર વધુ એક બોજો સહન કરવાનો વારો આવ્યો છે.
પશુઓને ખવડાવવા માટે આપવામાં આવતી પાપડીની બોરી 1200 મળતી હતી, જે આજે 1500થી 1600 રૂપિયામાં મળે છે. એટલે 300થી 400નો વધારો આવ્યો છે. જીરાડો 1000માં મળતો હતો, જે હવે 1400થી 1500માં મળે છે. જેમાં 400થી 500નો વધારો થયો છે. જવ ભરડો 900 મળતો હતો કે 1100 થયા 1200માં મળે છે. આમ, દરેક પશુઆહારના ભાવમાં 50થી 400 સુધી વધી જતાં પશુપાલકોની હાલત કફોડી બની છે.
જો કે, આ ભાવ વધારો મિલો બંધ હોવાના કારણે કંપનીએ જ વધારો કર્યો હોવાનું ડીલરો જણાવી રહ્યાં છે. વેપારીઓનું માનીએ તો હાલ જથ્થાબંધ વેપારી અને ફેક્ટરી માલિકો પાસે કાચો મટીરયલ ન હોવાના કારણે તેઓએ ભાવ વધારી દીધા છે. જો કે, આટલો ભાવ પશુપાલકોને પણ પોષાય તેમ નથી. સરકાર એક તરફ કોઈ જ ચીજવસ્તુઓ ભાવ નહીં વધે તેમ જણાવી રહી છે, તો બીજી બાજુ પશુપાલકોને બોરીએ 400 રૂપિયાનો વધારો કરી ફેક્ટરી માલિકો લૂંટી રહ્યાં છે. જો કે, હાલ દૂધનો ભાવ પણ પોષાય તેમ નથી, ત્યારે લોકડાઉનમાં ભાવ વધારાના કારણે પશુપાલકોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે.
બનાસકાંઠામાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તિઓના કારણે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું હતું. જેથી મોટાભાગના ખેડૂતો પશુપાલન પર જ પોતાનો જીવનનિર્વાહ ચલાવી રહ્યાં હતા અને તેવામાં લોકડાઉનના કારણે પશુ આહારમાં 30થી 40 ટકાનો ભાવ વધારો કરી જે રીતે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યાં છે. તેના કારણે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની હાલત પડ્યા પર પાટું મારવા જેવી સર્જાઇ છે.
એક તરફ લોકડાઉન અને બીજી તરફ ભાવ વધારો પશુપાલકો માટે આફત સમાન છે. જો કે લોકડાઉન સમયે મજબૂરીનો લાભ ઉઠાવનાર વેપારીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ. જેથી પશુપાલકો લૂંટાતા બચી શકે હાલ જથ્થાબંધ વેપારી અને ફેક્ટરી માલિકો પશુપાલકોનો મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યાં છે, જેથી સરકારે આવા નફાખોરી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ ખેડૂતોનું માનવું છે.