- બનાસકાંઠા જિલ્લાના મહેસુલી કર્મચારીઓ તેમ જ પોલીસ કર્મીઓએ લીધી કોરોના વેક્સિન
- જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે પણ લીધી વેક્સિન
- એક જ દિવસમાં જિલ્લાભરમાં કુલ 40 સ્થળ પર 2500થી વધુ લોકોને અપાઈ કોરોના વેક્સિન
બનાસકાંઠાઃ જિલ્લાભરમાં ચાલેલા આ વેક્સિન પ્રોગ્રામમાં 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધીના પ્રથમ તબક્કામાં 4 હજાર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિન અપાઈ હતી. ત્યારે આજે 31મી જાન્યુઆરીથી શરૂ થયેલા બીજા તબક્કાના રસીકરણ અભિયાનમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલે વેક્સિન લઈ તમામને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ મહેસુલી અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ અધિકારી, કર્મચારીને વેક્સિન આપવામાં આવી હતી. એક જ દિવસમાં કુલ 40 કેન્દ્રો પર થઈ કુલ 2500 લોકોને કોરોનાની રસી અપાઈ હતી.

જિલ્લાના પાલનપુર ખાતે પ્રાન્ત કચેરી તેમ જ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. સવારે 10 વાગ્યે શરૂ થયેલા આ અભિયાનમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલિસ વડા તરૂણ દુગ્ગલે સૌથી પહેલા કોરોનાની વેક્સિન લીધી હતી. ત્યારબાદ નાયબ પોલીસ અધિકારી, પોલીસ ઈન્સ્પેકટર સહિત કુલ 278 પોલીસ જવાનોએ કોરોનાની રસી લીધી હતી. તેમજ પ્રાન્ત કચેરી પાલનપુર ખાતે કુલ 88 મહેસુલી અધિકારી કર્મચારીઓએ વેક્સિન લીધી હતી.

કોરોના વેક્સિન લીધા બાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ભારતે નિર્માણ કરેલી વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. અત્યાર સુધી જિલ્લામાં હજારો લોકો વેક્સિન લઈ ચૂક્યા છે, પરંતુ કોઈને આડ અસર થઈ નથી.તેથી આ રસી દરેક વ્યક્તિએ પોતાનો વારો આવે ત્યારે લેવી જોઈએ.
