બનાસકાંઠાઃ જિલ્લાના વાવ માર્કેટ યાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા સાત પગલા કાર્યક્રમ યોજાયો હતો. સરકારના યોજના અંતર્ગત સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂતો અને પશુપાલકોના હિતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે ઉપસ્થિત ખેડૂતો તેમજ પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં અગાઉ ભૂતકાળમાં 20 વર્ષ પહેલાં દુષ્કાળ વાવાઝોડાં અને કુદરતી આફતો આવતી પરંતુ તે વખતની સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ સહાય કે યોજના શરૂ કરી નથી. પરંતુ રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરહદી પંથકને લીલોછમ બનાવ્યો છે. ઉપરાંત કેનાલ દ્વારા પાણી આપ્યું છે તેમજ ખેડૂતોના હિતમાં વિવિધ યોજનાઓ શરૂ કરી ખેડૂતોને પગભર કર્યા છે. ભૂતકાળમાં પીવાના પાણીની સમસ્યાઓ ઉભી થતા લોકો વીરડી બનાવતા હતા અને પાણી કોઇ ચોરી ન જાય તે માટે વિરડીઓને તાળા મારતા હતા. અત્યારની સરકારે ઘરને આંગણે પાણી પહોંચાડ્યું છે.
બનાસકાંઠામાં તીડના આક્રમણથી થતા નુકસાનનો પણ સહાય સરકારે ખેડૂતોને ચૂકવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતમાં વર્ષે સીધા ખેડૂતના ખાતામાં હજાર રૂપિયા નાખવાની યોજના શરૂ કરી છે. સાંસદમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે. સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતો પશુપાલકોના હિતમાં વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરી છે.
સાત પગલાં કાર્યક્રમમાં માવજીભાઇ પટેલ, મગનભાઇ માળી ,ગુમાનસિંહ ચૌહાણ, વાવ APMC ચેરમેન રૂપસીભાઇ પટેલ, વાવ મામલતદાર, ખેતીવાડી વિભાગના તમામ અધિકારી તેમજ કર્મચારીગણ શાકભાજી વેપારી તેમજ બહોળી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.