બનાસકાંઠા : સમગ્ર દેશમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન છે અને લોકો પોતાના ઘરે છે. આવા કપરા સમયે ચોરો બેફામ બન્યા છે. ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ કુંડાવાળી ઢાણીમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ચોરી થઈ હતી. ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ મંદિરનું તાળું તોડી મંદિરમાં પડેલી દાન પેટીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારે પૂજારી જ્યારે મંદિરે પૂજા કરવા આવ્યા ત્યારે મંદિરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. જ્યારે મંદિરમાં તપાસ કરતા મંદિરમાં પડેલી દાન પેટી ગાયબ હોવાથી તાત્કાલિક પૂજારીએ ગામના સરપંચ અને આગેવાનો મંદિર ખાતે દોડી આવ્યા હતા.
આજુ બાજુ તપાસ કરતા મંદિરની દાન પેટી બનાસનદીમાં તૂટેલી હાલતમાં જોવા મળી હતી. દાન પેટીમાં પડેલી 50 હજાર ઉપરાંતની ચોરી થઈ છે. જેથી સરપંચ દ્વારા તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સરપંચ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ મંદિરમાં ચોથી વાર ચોરી થઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.