બનાસકાંઠા: વાવના ખીમાણાવાસ ગામે ફાર્મ ઉપર જ રહેતાં ડૉ. અરૂણ આચાર્ય સવારે વહેલાં ઉઠી પોતાના ખેતરમાં વાવેલ ખારેકના રોપાઓની માવજતથી લઇ તેની સારસંભાળ લે છે. આ વિસ્તારના લોકોને નજીકમાં જ સારી આરોગ્ય સારવાર મળી રહે, તે માટે તેમણે નિવૃત્તિના થોડાંક જ દિવસો પછી વાવ-સૂઇગામ હાઇવે પર નાનકડી હોસ્પિટલ શરૂ દીધી છે. તેઓ સવારે 9.00 વાગ્યે હોસ્પિટલ પહોંચી જઇ લોકોની સારવારમાં સતત કાર્યરત રહે છે.
છેલ્લા 4 મહિનાથી કોવિડ-19ની પરિસ્થિતિમાં પણ આ નિત્યક્રમ જાળવી રાખી તેમણે આ વિસ્તારના લોકોની સારવાર કરી છે. બાગાયતી ખેતી કરતાં ડૉ. આચાર્યના ફાર્મની મુલાકાત લેવા જેવી છે. ઉડીને આંખે વળગે તેવી ચોખ્ખાઇ, પંખીઓનો કલરવ અને ઇઝરાયેલી ખારેકના છોડ ફાર્મની સુંદરતામાં વધારો કરે છે. ડૉ. અરૂણ આચાર્ય જયારે નોકરીમાં હતા, ત્યારે તેમના પિતા સ્વ. હરજીભાઇએ વર્ષ- 2010-11 માં 5 એકર જમીનમાં 260 રોપાઓ ઇઝરાયેલી બરહી જાતિના છોડ કચ્છના મુંદ્રાથી લાવી ખારેકનું વાવેતર કર્યુ હતું. તે સમયે એક છોડ રૂ. 2700ની કિંમતમાં પડ્યો હતો. ખારેકની બાગાયતી ખેતી માટે એક રોપાદીઠ રાજય સરકારના બાગાયત ખાતા દ્વારા રૂ. 1250 લેખે સબસીડી મળી હતી. આ તમામ રોપાઓના થડમાં છાણીયું ખાતર નાખી સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી જ ખારેક પકવવામાં આવતી હતી.
આ વિસ્તારના પાણી મોળુ મળે છે, એટલે કે 1,400 ટીડીએસવાળું પાણી બોરમાંથી આવે છે, પરંતું એ પાણી ખારેકની ખેતીને સારું માફક આવે છે. તેમણે કહ્યું કે, આ રણ વિસ્તારમાં પહેલાં તો ધૂળની ડમરીઓ જ ઉડતી હતી. હવે નર્મદાના નીર આવવાથી ખેડૂતો ત્રણ ત્રણ પાક લેતા થયાં છે અને કૃષિ ક્ષેત્રે નવું પરિવર્તન આવ્યું છે. ખારેક વાવ્યા પછી ચાર વર્ષે આવક શરૂ થાય છે. ખારેકના છોડની વચ્ચેની જગ્યામાં આંતર પાક તરીકે બાજરી, જુવાર, જીરૂ વગેરે પાકો વાવીએ છીએ.
તેમણે કહ્યું કે, શરૂઆતમાં સમયમાં માવજતના અભાવે ધાર્યુ ઉત્પાદન મેળવી શકાતું નહોતું, પરંતું હવે હું ફાર્મ પર જ રહું છું જેથી તેની સારસંભાળ અને માવજત કરું છું. એક છોડ પરથી 200 કિ.લો. ખારેક ઉતારો આપે છે. જે અમે બજારમાં હોલસેલના ભાવે રૂ. 50માં વેચીએ છીએ તથા છુટક 80થી 100 રૂપિયાના ભાવે આ ખારેક વેચાય છે.
તેમણે કહ્યું કે, ખારેકના વાવેતરથી માતર આવક થાય છે. તેમણે આ વિસ્તારના ખેડૂતોને ખારેકની ખેતી કરી સારી આવક મેળવવા અનુરોધ કર્યો છે, સ્વાદમાં ખુબ જ મીઠી આ ખારેક શરીર માટે પણ ખુબ જ ફાયદાકારક હોવાથી લોકો પુષ્કળ પ્રમાણમાં ખવાય છે. ખારેકમાં રહેલા ઉચ્ચ પોષકતત્વોને લીધે શરીરમાં શક્તિનો વધારો કરે છે. ખારેકમાં વિટામીન એ, કે, બી6 અને કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, સલ્ફર, કોપર, પ્રોટીન વગેરે જેવા મિનરલ્સ યોગ્ય પ્રમાણમાં હોય છે. આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખારેક એન્ટીઓકિસડન્ટ હોવાથી હ્રદયને સ્વસ્થ અને હાડકાંને મજબૂત બનાવે છે, ખારેક ખાવાથી કબજીયાતથી રાહત મળે છે. આ ઉપરાંત એલર્જી સામે રક્ષણ, હરસમસામાં રાહત, સ્કીન, હેરફોલ સામે રક્ષણ સહિત મગજને પણ તંદુરસ્ત રાખે છે.