- કોરોના વાઈરસની મહામારીમાં ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત
- બનાસકાંઠા જિલ્લામાં રેમડેસીવીર કૌભાંડ ઝડપાયું
- અગાઉ પણ ડીસા તાલુકાના ગામ પાસેથી રેમડેસીવીર કૌભાંડ ઝડપાયું હતું
- પાલનપુર પોલીસે ઇન્જેક્શન કૌભાંડમાં બે આરોપીઓની અટકાયત કરી
બનાસકાંઠા: હાલ દેશ અને ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રામબાણ સાબિત થઈ રહેલા રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે માંગ વધી છે. જો કે સમગ્ર રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત હોવાથી અનેક લોકો તેનું કાળાબજાર કરીને દર્દીઓની લાચારીનો લાભ ઉઠાવીને આ ઇન્જેક્શન હજારો રૂપિયાઓમાં વેચીને તગડો નફો લઈ રહ્યા છે. ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે, પાલનપુર તાલુકાના યુવક-યુવતી 18 હજાર રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચી રહ્યા છે ત્યારે પોલીસે આરોપી યુવક -યુવતીને ઝડપી પાડવા છટકું ગોઠવી નકલી ડમી ગ્રાહક મોકલીને 18 હજાર રૂપિયામાં ઇન્જેક્શન વેચવા આવેલા યુવક-યુવતીને પાલનપુરના આબુ હાઇ-વે ઉપર આવેલી ખાનગી હરિ કોવિડ હોસ્પિટલના નીચેથી 5 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠા રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ, વધુ એક ડૉક્ટરની અમદાવાદથી થઈ અટકાયત
પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી
રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપાયેલો યુવક હર્ષદ પરમાર ખાનગી કોવિડ હોસ્પિટલમાં પ્યુન તરીકે અને ઝડપાયેલી યુવતી દીપિકા ચૌહાણ હરિ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે. જેથી આમાં અનેક લોકો સામેલ હોઈ તેવું પોલીસને લાગી રહ્યું હોવાથી પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે અને આરોપીઓ સામે ઇપીકો કલમ 408,420,120 (બી) તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 7 (1)એ (2) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 53 તથા ઔષધ અને પ્રસાધનો સામગ્રી અધિનિયમ કલમ 27 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ ઇન્જેક્શન કૌભાંડમાં 8 લોકોની અટકાયત કરાઈ હતી
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના વાઈરસના કેસ વચ્ચે અનેક કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. જેના કારણે દર્દીઓને હાલમાં કોરોના સારવાર માટે રેમડેસીવીર અને ઓક્સિજનની જરૂરિયાત પડી રહી છે. જેના કારણે કોરોના દર્દીઓનો લાભ ઉઠાવી ઇન્જેક્શનનું કાળા બજાર કરતા લોકો મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારીમાં વધુ એકની ધરપકડ
એક બાદ એક રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ ઝડપાઈ રહ્યા છે
ડીસા તાલુકાના ભોંયણ ગામ પાસે પોલીસે રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા આવેલા 8 લોકોની અટકાયત કરી હતી. અન્ય ચાર લોકોની તપાસ કરતા વધુ એક ડોક્ટર આ ઇન્જેક્શન કૌભાંડમાં સામેલ હોવાથી તેની પણ અમદાવાદથી અટકાયત કરી હતી. આમ, બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક હવે રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ ઝડપાઈ રહ્યા છે. ત્યારે ખરેખર આવા સમયે કાળા બજાર કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં જરૂરિયાતમંદ લોકોને સમયસર ઓક્સિજન અને ઇન્જેક્શન મળી શકે તેમ છે.
ઝડપાયેલા આરોપીઓ
1.હર્ષદ અર્જુનભાઇ પરમાર
(રહે-ચાંગા તા.-વડગામ જિલ્લો-બનાસકાંઠા)
2.દીપિકા મૂળજીભાઈ ચૌહાણ
(રહે- જગાણા તા.-પાલનપુર જિલ્લો-બનાસકાંઠા)