હોળીનો તહેવાર આમ તો ખાસ કરી રાજસ્થાનનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી લોકો ગુજરાતમાં જ હોળીના તહેવારની ઉજવણી કરે છે. જેથી તેમની સાથે ગુજરાતના લોકો પણ હોળીની પરંપરાગત ઉજવણી કરે છે, પરંતુ આજે આપણે ગુજરાતના એક એવા ગામની વાત કરીશું, જ્યાં 200 વર્ષથી હોળીની ઉજવવામાં આવતી નથી, ત્યારે ETVના માધ્યમથી આ ગામની ઇતિહાસ આપણે જાણીશું...
આ છે ડીસા તાલુકાનું રામસણ ગામ. સમગ્ર દેશમાં હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરે છે, ત્યારે આ રામસણમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકો હોળીનો પર્વ ઉજવતા નથી. આ એ જ ગામ છે, જ્યાં આશરે 200 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી. વર્ષો પહેલા હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી હતી અને આ ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં, ત્યારબાદ ફરી બે વાર હોળી મનાવવામાં આવી ત્યારે પણ ગામમાં આગ લાગી હતી. આખું ગામ આગની લપેટમાં આવી ગયું હતું. બાદમાં આ ગામના વડીલોએ ભેગા મળીને નક્કી કર્યું કે, આજ પછી રામસણ ગામમાં ક્યારે હોળી પ્રગટાવવામાં નહીં આવે. જો ગામમાં સુરક્ષા રાખવી હોય તો આ ગામમાં ક્યારે હોળીનો તહેવાર ઉજવાશે નહીં. જે પરંપરાને જાળવી રાખી આજે પણ આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી. હોળીના દિવસે માત્ર નારિયેળ મૂકી તેની ફરતે ગામના બાળકોને દંડ કરવામાં આવે છે.
જો કે, રામસણ ગામમાં સુરક્ષાના કારણે લોકો હોળી પ્રગટાવતા જ નથી અને ગામના વડીલોના આ નિર્ણયને બિરદાવે છે. રામસણ ગામની દંતકથાની વાત કરવામાં આવે તો રાજા રજવાડાના સમયમાં આ ગામમાં હોળીના દિવસે ઋષિમુનિએ શ્રાપ આપેલો કે, જ્યારે-જ્યારે આ ગામમાં હોળીના તહેવાર મનાવવામાં આવશે ત્યારે-ત્યારે હોળીની આગ આખા ગામને લપેટમાં લેશે. આ શ્રાપ બાદ જ્યારે આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી છે, ત્યારે ગામમાં ભયંકર આગ લાગી છે. ઋષિ મુનિના શ્રાપને યાદ રાખી આ ગામના લોકોએ નક્કી કર્યું કે, આજ પછી આ ગામમાં ક્યારે પણ હોળી પ્રગટાવવામાં નહીં આવે. આ વાતને 200 વર્ષ જેટલો સમય થયો, પરંતુ આજ દિન સુધી આ ગામમાં આજે પણ હોળી પ્રગટાવવામાં આવતી નથી. હોળી પ્રગટાવવાની જગ્યાએ સાંજે ગામના તમામ લોકો ભેગા મળી નારિયેળને વચ્ચે મૂકી અને તેની ફરતે નાના બાળકોને હોળીના દર્શન કરાવવામાં આવે છે. તેમજ વર્ષો પહેલાની વડીલોની પરંપરા આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખી છે.
અસત્ય પર સત્યની જીતના પ્રતીક સમાન હોળીના પર્વમાં હોલીકા દહનનું વિશેષ મહત્વ રહેલું છે. રાજા હિરણ્યકશ્યપુ એ પોતાની બહેન હોલિકાને અમર ચુંદડી સાથે પ્રહલાદને આંગમાં બેસાડી પ્રહલાદની હત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ આગમાં બેસતાની સાથે જ હોળીકાની અમર ચૂંદડી પ્રહલાદ પર આવી ગઈ અને પ્રહલાદનો જીવ બચી ગયો હતો. હોલીકાનું દહન થઈ ગયું હતું, આમ સત્ય અને અસત્યની આ જંગમાં સત્યનો વિજય થતા આજે દર વર્ષે હોળી દહનનો પર્વ દેશભરમાં ઉજવાય છે.