અમદાવાદ: સંજીવ ભટ્ટ તરફથી રાજસ્થાન હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે NDPS ગુનાની પહેલી નોંધ જોધપુર સ્પેશ્યલ કોર્ટ દ્વારા લેવામાં આવી હતી. આ કેસમાં પાછળથી જ્યારે પાલનપુર સ્પેશ્યલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ત્યારે તેમની સામે ગુનાની નોંધ લેવામાં આવી હોવાની રજુઆત કરવામાં આવી હતી. બંને કેસમાં ગુનો એક જ હોવાની દલીલ કરાઈ હતી.
સંજીવ ભટ્ટ તરફથી દાખલ કરાયેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે CRPCની કલમ 186 મુજબ એક જ ગુનામાં બે કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવે ત્યારે હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે કે કઈ કોર્ટ આ કેસની તપાસ કરશે. બે અલગ અલગ કોર્ટ કે જે જુદી હાઇકોર્ટના તાબા હેઠળ આવતી હોય અને તેવી કોર્ટમાં ગુનાની નોંધ લેવાઈ હોય ત્યારે હાઈકોર્ટે કેસની કાર્યવાહી પહેલા ક્યાં શરૂ થઈ છે તેના આધારે નિર્ણય લેવો જોઈએ.
રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ મનોજ ગર્ગે નોંધ્યું હતું કે પહેલી ફરિયાદ પાલનપુર ખાતે નોંધવામાં આવી ત્યારબાદ સમય સિંગ રાજપૂત દ્વારા પાલી ખાતે નોંધાયેલી ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ બંને ફરિયાદ જુદી છે. CRPCની કલમ 186 અહીં લાગુ પડતી નથી.
રાજસ્થાન હાઈકોર્ટે નોંધ્યું કે પાલનપુર સ્પેશિયલ કોર્ટમાં જ્યારે આ કેસની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે તેના પર સ્ટે આપવાની વાત ગુણદોષ વગરની છે.