બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતો એક પછી એક કુદરતી આફતનો સામનો કરી રહ્યાં છે. પહેલા અતિવૃષ્ટિ બાદમાં તીડનો આતંક ત્યારબાદ કમોસમી વરસાદ, ઈયળોનો ઉપદ્રવ અને હવે ફરી પાછો થયેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ બનાવ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ભારે વાવાઝોડા સાથે માવઠું થયું હતું.
બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને ડીસા પંથકમાં માવઠું થયું હતું. એક મહિના અગાઉ પણ માવઠું થતાં દિયોદર, વાવ અને ડીસા પંથકના ખેડૂતોને એરંડા, મગફળી અને બટાટાના પાકમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ગુરૂવારે ફરી થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂત નુકસાનીમાંથી ઊભો થતા જ ફરી પડી ભાંગ્યો છે. સુઈગામ વિસ્તારમાં કરા સાથે માવઠું થયું હતું જેના કારણે કેટલાંક ઘરના પતરાં પણ ઉડી ગયા હતા અને ઘરવખરીને પણ નુકસાન થયું હતું.
કમોસમી વરસાદના કારણે એરંડા, જીરું અને રાયડાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે ફરીવાર સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. એક તરફ ખેડૂતો અગાઉ થયેલા નુકસાનમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ કુદરત જાણે બદલો લેવા માગતી હોય તેમ એક પછી એક માવઠા રૂપી આફત વરસાવી રહી છે.