બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ
- ઇકબાલગઢમાં બે દિવસથી વરસી રહ્યો છે વરસાદ
- લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોને થઇ રાહત
- આ વર્ષે સારો વરસાદ થશે તેવી ખેડૂતોને છે આશા
બનાસકાંઠાઃ જિલ્લાના ઇકબાલગઢ પંથકમાં બે દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસથી કાગડોળે રાહ જોતા આખરે જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા લોકોમાં આનંદ છવાયો છે.
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં છેલ્લા બે દિવસથી સાંજના સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. અષાઢ મહિનાના પંદર દિવસ કોરા નીકળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી હતી, જોકે બે દિવસથી ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઇ હતી.
જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઘણા ખેડૂતો માત્ર વરસાદની ખેતી ઉપર નિર્ભર છે. અમીરગઢ તાલુકામાં 14 જેટલા નાના-મોટા ચેકડેમોમાં પણ નહિવત પાણી છે. જિલ્લાની જીવાદોરી સમાન બનાસનદી પણ વગર વરસાદે કોરી ધાકોર છે, જેથી ખેડૂતો આ વર્ષે નિરાશ બન્યા હતા. પરંતુ બે દિવસથી સાંજના સમયે પડેલા વરસાદના કારણે ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે.
આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. વરસાદ ખેંચાવાના કારણે અમીરગઢ તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ હતી, જોકે ગ્રામ પંચાયતો દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈકબાલગઢમાં વર્ષો જૂનો કુવો સુકાઈ જતા ઇકબાલગઢના ઘણા વિસ્તારોમાં પાણી માટે લોકોને વલખાં મારવા પડ્યા હતા. જોકે ગામના સરપંચ કેસીબેન ઠાકોરે તાત્કાલીક ચામુંડા ચોક વિસ્તારના કુવામાંથી પાઇપ લાઈન મુકાવીને લોકોને પાણીની સુવીધા પુરી પાડી હતી. હાલ બે દિવસથી પડી રહેલા વરસાદથી લોકોમાં ફરી આશા વ્યક્ત થઈ છે કે આ વર્ષે સારો વરસાદ થશે.