બનાસકાંઠાઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ નીચા હોવા છતાં પેટ્રોલ-ડીઝલ પર અસહ્ય વેરા કેન્દ્ર સરકારે લાગુ કરી દેતા બનાસકાંઠામાં પણ બુધવરના રોજ કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
- ક્રૂડના ભાવ નીચા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારો
- કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ ભાજપ સરકાર પર આકરા પ્રહાર
ક્રૂડના ભાવ તળિયે હોવા છતાં પણ સરકાર છેલ્લા 15 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કોરોના અને મહામંદીથી પીડાતા લોકોને રાહત આપવાને બદલે ઊલટું પડ્યા પર પાટુ માર્યુ હોવાનો અહેસાસ થાય છે, જેથી બુધવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં પણ દરેક તાલુકા કક્ષાએ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પાલનપુર ડીસા, વાવ, થરાદ સહિત તમામ જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી બેનરો સાથે દેખાવો કર્યા હતા. થરાદમાં પણ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ કાર્યકરોએ ગાડા પર બેસી વિરોધ દર્શાવ્યો હતો.
કોંગ્રેસ આગેવાનો ભાજપની નીતિની ટીકા કરતા બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા, તો કેટલીક જગ્યાએ રસ્તા પર બેસી ચક્કાજામ કરી કોંગ્રેસ કાર્યકરોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. જોકે ચક્કાજામ થતા અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવતા પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી, ત્યારે સરકારના ઇશારે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની ખોટી રીતે અટકાયત કરી હોવાના પણ ગંભીર આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા. તો બીજી તરફ ડીસા અને પાલનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જ્યારે બીજી તરફ થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી દ્વારા રોડ પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.