ડાંગઃ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના નવરચિત સુબીર તાલુકા પંચાયત કુલ 16 સભ્યોની બેઠક ધરાવે છે. જેમાંથી ભાજપામાંથી 11 સભ્યો તેમ જ કોંગ્રેસમાંથી 05 સભ્યોએ જીત મેળવી હતી. ગત અઢી વર્ષના ટર્મ માટે ભાજપા પાર્ટીમાંથી રાજેશભાઇ ગામીત તાલુકા પંચાયતના પ્રમુખ પદે આરૂઢ અહી બિરાજમાન હતા.
તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પ્રમુખપદ માટે વિવાદ ઊભો થતા ભાજપ પક્ષમાંથી બળવો કરી કોંગ્રેસના ટેકાથી યશોદાબેન રાઉત સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ પદે આરૂઢ થયા હતા. અહીં કોંગ્રેસના ટેકાથી પ્રમુખ પદ હાંસલ કરનાર યશોદાબેન રાઉત સામે ઉપપ્રમુખ વસનજી કુંવરે વિકાસ કમિશ્નર ગાંધીનગરને પક્ષાંતર ધારાના ભંગની ફરિયાદ કરતાં વિકાસ કમિશ્નર દ્વારા પંચાયત અધિનિયમ 1986 અને 1987નાં નિયમ 8ની જોગવાઈ મુજબ પક્ષાંતર ધારાની કલમ મુજબ યશોદાબેન રાઉતને ગેરલાયકનો હુકમ કરાયો હતો.
સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ પદનો ચાર્જ ઉપપ્રમુખ પદનો ચાર્જ વસનજી કુંવરને સોંપાયો હતો. અહીં વિકાસ કમિશ્નરના નિર્ણયથી ગેરલાયક ઠરેલા યશોદાબેન રાઉતને સંતોષજનક ન લાગતા તેઓએ થોડા દિવસ પૂર્વે નામદાર હાઇકોર્ટમાં જઇ સ્ટે મેળવી ફરી પ્રમુખપદનાં સત્તા ઉપર આરૂઢ થતાં સુબીર તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું હતું. તેવામાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 6થી 7 મહિના જ બાકી હતા.
બાગી મહિલા પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનમાની કરતી હોવાનાં કારણે સુબિર તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા 10 સભ્યોએઆ મહિલા પ્રમુખ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી સુબિરને અવિશ્વાસની પ્રસ્તાવ અરજી આપતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
અત્રે નોંધનીય છે કે, હાલમાં જ સુબીર તાલુકાની ખાલી પડેલી 2 બેઠકની ચૂંટણીમાં ભાજપાએ આ બન્ને સીટ ઉપર જીત મેળવતા સત્તા હાંસલ કરવા માટે હાલમાં ભાજપ પક્ષ પાસે 10 સભ્યોની બહુમતી સાથે વધુ સંખ્યામાં જોવા મળી હતી, જ્યારે કોંગ્રેસ પાસે 5+1 મળીને કુલ 06 સભ્યોનું સંખ્યાબળ છે, ત્યારે આવનાર દિવસોમાંજો અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થાય તો બાગી મહિલા પ્રમુખ યશોદાબેન રાઉત પ્રમુખપદની સત્તા ગુમાવશે અને સુબીર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈને ભાજપનો ભગવો લહેરાશે તેમાં બેમત નથી.
સુબીર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સુરેશભાઈ કલારા જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સુબીર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વિરુદ્ધ 10 સભ્યોની સહીવાળી અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત અરજી મારી પાસે આવી છે, જે અરજીનાં અન્વયે નિયમ અનુસાર 15 દિવસ બાદ પ્રસ્તાવ અને બહુમતી સાબિત કરવા માટે બેઠક બોલાવાશે.