- પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફોટો વાયરલ મામલો
- રાષ્ટ્રીય મહિલા આયોગની ફરિયાદના આધારે તપાસ શરૂ
- જિલ્લા કલેકટરના આદેશ બાદ આરોગ્ય વિભાગે પણ આ મામલે તપાસ હાથ ધરી
- હવેથી સિવિલ હોસ્પિટલમાં ફોટા પાડવા પર પ્રતિબંધ
બનાસકાંઠા : દાંતાના કાંસા ગામની એક 25 વર્ષીય પ્રસૂતા મહિલાને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા બાળક પેટની અંદર મૃત અને ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હોવાનું માલુમ પડતા તેના ગર્ભાશયનું ઓપરેશન કરી જીવ બચાવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. તે સમયે સિવિલ હોસ્પિટલના ગાયનેક તબીબ ડોક્ટર રાહુલ પટેલ ઓપરેશન કરતા ફોટા લઈ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે, સારવાર કર્યા બાદ 24 કલાક બાદ આ મહિલાનું મોત નિપજયુ હતુ. જ્યારે ગાયનેક ડૉ. રાહુલ પટેલે મહિલાને કે મહિલાના પરિવારજનોની પરવાનગી વગર ઓપરેશન કરતા ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતાં બબાલ મચી ગયો હતો.
રાષ્ટ્રીય મહિલા આયોગની ફરિયાદના આધારે તપાસ શરૂ
જ્યારે આ બાબત રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડૉ.રાજુલાબેન દેસાઈના ધ્યાને આવતા તેમણે આ મામલાને ગંભીરતાથી લીધી હતી અને તાત્કાલિક ધોરણે પુરાવાઓ સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આ મામલે વાતચીત કરી ઊંડાણપૂર્વક ન્યાયિક તપાસની માંગ કરી છે. જે પણ આ કેસમાં સંડોવાયા હોય તેવા તમામ લોકો સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.
જિલ્લા કલેકટરના આદેશ બાદ આરોગ્ય વિભાગે પણ આ મામલે તપાસ હાથ ધરી
જિલ્લા કલેકટરના આદેશ બાદ આરોગ્ય વિભાગે પણ આ મામલે તપાસ હાથ ધરી છે અને તાત્કાલિક ધોરણે ફોટા શેર કરનાર ડોક્ટર રાહુલ પટેલને નોટીસ ફાટકરી તેનો જવાબ માંગ્યો છે. જ્યારે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પણ હોસ્પિટલના તમામ તબીબ અને સ્ટાફ સહિતના લોકોને પણ ચેતવણી આપી છે.