- કોવિડ વોર્ડની બાથરુમની ગ્રીલ તોડી ચોરીની ઘટનાનો આરોપી ફરાર
- પોલીસે આરોપી સામે કલમ 224 મુજબ ગુનો નોંધ્યો
- બે મહિના પહેલાં અમીરગઢમાં કરી હતી ચોરી
બનાસકાંઠા : અમીરગઢમાં બનેલી ચોરીની ઘટનાનો આરોપી પાલનપુર સિવિલના કોવિડ વોર્ડમાંથી ફરાર થઈ જતાં પોલીસે આરોપી સામે કલમ 224 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાન પોલીસે ઝડપી પાડતાં ટ્રાન્સફર વોરંટથી અમીરગઢ પોલીસે લીધો હતો કબજો
સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો અમીરગઢના 22 વર્ષીય યુવક ઇસ્માઇલ મેરાજખાન સુમરાએ બે મહિના પહેલાં અમીરગઢમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.જેની ફરિયાદ અમીરગઢ પોલીસ મથકે નોંધાઇ હતી. પરંતુ આરોપી રાજસ્થાનમાં ફરાર થઈ જતાં રાજસ્થાન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જોકે, ત્યારબાદ અમીરગઢ પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપી ઇસ્માઇલભાઈ સુમરાનો કબજો લીધો હતો અને કોર્ટના આદેશથી તેને પાલનપુર સબજેલમાં ખસેડાયો હતો. જ્યાં આરોપીને કોવિડ પોઝિટિવ આવતાં 10 ડિસેમ્બરથી પાલનપુર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો હતો.
કોરોના હોવાથી 17 દિવસથી સિવિલના કોવિડ વોર્ડમાં હતો ભરતી
આ વોર્ડમાં અન્ય કોઈને પ્રવેશ નહીં હોવાથી વોર્ડને બહારથી તાળું મરાયું હતું, અને પોલીસના કર્મીઓ દરવાજાની બહાર ઉભા હતા. જોકે, રવિવારે વહેલી સવારે આરોપી ઇસ્માઇલભાઈ કોવિડ વોર્ડના બાથરુમની બારીની ગ્રીલ તોડી ચાદરની મદદથી 25 ફૂટ ઊંચી દીવાલ નીચે ઉતરી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે પાલનપુર પૂર્વ પોલીસને જાણ થતાં પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ 224 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવાની પ્રક્રિયા હાથ ધરી છે.