બનાસકાંઠાઃ મૂળ પાટણ તાલુકાના ટાકોદી ગામે રહેતા અને છેલ્લા 2007થી ફાગુદ્રા પ્રાથમિક શાળામાં શિક્ષક પ્રકાશભાઈ નાનજીભાઈ સોલંકી તરીકે ફરજ બજાવતા હતા. 2014 બાદ તેઓની સારી કામગીરીના કારણે તેમને ફાગુદ્રા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકારી શાળાના આચાર્યોને સરકારી એસ.એ.એસ વેરિફિકેશનની મિટિંગ બોલાવવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના તમામ આચાર્યોની કૂચાવાડા પ્રાથમિક શાળા ખાતે સરકારની એસ.એ.એસ વેરિફિકેશનની મિટિંગ ચાલુ હતી તે દરમિયાન પ્રકાશભાઈને ચાલુ મિટિંગમાં અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો અને પ્રકાશભાઈ દ્વારા આ બાબતે અન્ય આ મિટિંગમાં આવેલા આચાર્યોને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે કૂચાવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત બગડતા વધુ સારવાર અર્થે પ્રાઇવેટ વાહનની મદદથી તેઓને ડીસા લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેઓનું મોત થયું હતું. જે બાદ તેમના મૃતદેહને પી.એમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અચાનક થયેલા આચાર્ય પ્રકાશભાઈના મોતથી બનાસકાંઠા જિલ્લાના તમામ આચાર્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના મોત પાછળનું કારણ સરકાર દ્વારા આપવામાં આવતું વધારાનું કામ જણાવ્યું હતું.
પાટણના ટાકોદી ગામે રહેતા અને બે પુત્રના પિતા પ્રકાશભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી મોત નિપજતા પોતાના પરિવાર અને બનાસકાંઠની તમામ શાળાઓમાં શોકની લાગણી છવાઈ છે.