- જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની તૈયારીઓ પૂરી
- જિલ્લમાં 3 હજારથી વધુ કોરોના દર્દીઓ
- જિલ્લા પંચાયતમાં થશે વેક્સીનનું આગમન
બનાસકાંઠાઃ કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વેક્સિનના અલગ અલગ ડોઝ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લામાં કોરોના કહેર વધ્યો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં વધેલા કોરોના સંક્રમણના કારણે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે .ખાસ કરીને ડીસા અને પાલનપુરમાં વધુ કોરોના કેસ જોવા મળી રહ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા લાકોમાં સંક્રમણ ઘટે જેથી કોરોના કેસમાં ઘટાડો થાય તે માટે લોકોને સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતાં પણ લોકોની ગંભીર બેદરકારીના કારણે હાલ જિલ્લામાં ત્રણ હજારથી પણ વધુ કોરોના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં લોકો સરકારની ગાઈડલાઈન મુજબ ધ્યાન નહીં રાખે તો હજુ પણ કોરના વાઈરસના કેસોમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે.
આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની તૈયારીઓ પૂરી
કોરોના સામેની લડાઈ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભારત સરકાર દ્વારા કોરોના વેક્સિનને લઈ ઝડપથી કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ બની રહેશે. ત્યારે કોરોનાની વેક્સિન માટેની પૂર્વ તૈયારીઓ આરોગ્ય વિભાગ દ્વારા પૂરી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ જે પ્રથમ તબક્કામાં વેક્સિન આપવાની છે તેમાં આરોગ્ય કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ફ્રંટ વોરિયર્સની યાદી તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ 50 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી વય ધરાવતા વ્યક્તિઓ અને અંતિમ તબક્કામાં 30 થી 50 વર્ષની ઉંમર ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને સરકારી હોસ્પિટલમાં રસી મૂકવા માટેની પૂર્ણ તૈયારી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વેક્સિનનું આગમન જિલ્લા પંચાયતમાં થશે. જિલ્લા પંચાયતથી તેનું અલગ અલગ સ્થળ પર વિતરણ કરવામાં આવશે.
જિલ્લાવાસીઓમાં કોરોના વેક્સીન માટે આતુરતા
સમગ્ર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા કોરોનાના કેસોને કારણે આરોગ્ય વિભાગમાં મોટી ચિંતા ઊભી થઈ હતી. લોકો પણ વધતા જતા કોરોના વાઈરસના કારણે ભય જોવા મળી રહ્યો હતો. ત્યારે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વેક્સિનેશન આપવાની જાહેરાત થતાં જ જિલ્લાવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હવે જિલ્લામાં કોરોના સામે લડત આપવા જલ્દીથી વેક્સિન આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.