બનાસકાંઠા : ડીસા તાલુકાના મોટા કાપરા ગામે આંગણવાડી કેન્દ્ર સંચાલક અનિલાબેન સુથારના લગ્ન પાંચ વર્ષ અગાઉ મોટા કાપરા ગામે થયા હતા, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તેમના પતિ અને સાસરિયાઓ સાથે અણબનાવ બનતા તેઓ હાલ શેરપુરા ખાતે આવેલા પિયરમાં રહે છે અને શેરપુરા ગામેથી અપડાઉન કરીને મોટા કાપરા ગામે આગણવાડી કેન્દ્ર ચલાવે છે, પરંતુ મોટા કાપરા ગામના કેટલાક શખ્સો આ અપડાઉન કરતી મહિલાને હેરાન કરી રહ્યા છે અને બળજબરીપૂર્વક આંગણવાડી કેન્દ્ર છોડાવવા માટે પરેશાન કર્યા કરે છે.
આ અગાઉ પણ એકટીવા લઈને જઈ રહેલી આ આંગણવાડી કેન્દ્ર મહિલા સંચાલકને બાઈક વડે ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે મામલે પણ અનિલાબેને પોલીસ મથકે જાણ કરી હતી. તેમ છતાં પણ આ શખ્સો દ્વારા અનીલાબેનને વારંવાર હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે તેઓએ પાલનપુર મહિલા પોલીસ મથકે હેરાન કરતા લોકો સામે અરજી કરી હતી.