બનાસકાંઠામાં આવેલી તમામ પોલીસ ચેક પોસ્ટ આજથી બંધ થઈ ગઈ છે. જેમાં ગુજરાત સરકારે તમામ પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં આવેલી તમામ મોટી 5 પોલીસ ચેકપોસ્ટ પણ બંધ થઈ ગઈ છે. વાત કરીએ તો બનાસકાંઠામાં આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ સૌથી મોટી છે. આ ચેકપોસ્ટ પરથી રોજના હજારો આંતરરાજ્ય વાહનો પસાર થાય છે.
જો કે અત્યાર સુધી આ ચેકપોસ્ટો પરથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓને પણ પોલીસ વાહન ચેકિંગ દરમિયાન અટકાવવામાં સફળ રહી છે. જેમાં કેફીદ્રવ્યો ,હથિયારો ,દારૂ અને આતંકવાદ જેવી દેશદ્રોહી પ્રવૃત્તિઓને પણ પોલીસ વાહન ચેકિંગ દરમિયાન અટકાવી શકી છે. ત્યારે હવે ગુજરાત સરકારે આંતરરાજ્ય ,આંતરજિલ્લા અને વાહન ચેકિંગમાં રહેલા તમામ પોલીસને વાહન ચેકીંગની કામગીરી બંધ કરી દઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા લગાવી દીધી છે.
જો કે સરકારના આ નિર્ણયથી હાલમાં વાહનચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે અત્યાર સુધીમાં ચેકિંગના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જેનાથી છુટકારો મળતા વાહનચાલકો સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે.