એક સમય હતો કે, જ્યારે ડીસામાં આ કુંભાર પરિવારોની જાહોજલાલી હતી. માટીની મૂર્તિને તરાસીને સુંદર રૂપ આપનારા આ પરિવારો એક સમયે દશામાંની મૂર્તિથી માંડીને ગણેશજીની માટીમાંથી નયનરમ્ય મૂર્તિઓ બનાવતા હતા. પરંતુ ટેક્નોલોજીના આવિષ્કાર બાદ પ્લાસ્ટર ઓફ પેરિસની શોધ થતાં તેનું ચલણ વધવા લાગ્યું હતું. શરૂઆતમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ મકાનોમાં થતો હતો અને હવે તેનો વ્યાપ વધીને મૂર્તિઓમાં થવા લાગ્યો છે. મૂર્તિઓમાં પ્લાસ્ટર પેરિસનો ઉપયોગ થવાના લીધે માટીની મૂર્તિ બનાવતા કારીગરો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓની માંગમાં ઘટાડો થવા લાગ્યો હતો. અત્યારે પરિસ્થિતી એવી આવી ગઈ છે કે, માટીના કારીગરો બેરોજગાર બની ગયા છે. એક સમયે તહેવારોમાં લોકો માટીની મૂર્તિ માટે બુકિંગ કરાવતા હતા તે કારીગરોને અત્યારે માટીની મૂર્તિનું વેચાણ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકો પૈસા કમાવવાની લ્હાયમાં ડીસાની બજારોમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. એક તરફ પી.ઓ.પીની મૂર્તિઓના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં મોટા પાયે બનાસકાંઠા જિલ્લામાં પી.ઓ.પી.ની ગણપતિની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે. ગણપતિના ભક્તો પણ માટીની મૂર્તિની જગ્યાએ પોતાના ઘરોમાં પી.ઓ.પી. મૂર્તિ લઈ જઈ ગણપતિની સ્થાપના કરતા હોય છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં માટીની મૂર્તિની જગ્યાએ પી.ઓ.પી.ની મૂર્તિનું બજારોમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણ માટે પણ ખૂબ જ હાનિકારક હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના વિસર્જનથી પાણીમાં પ્રદૂષણ થવા ઉપરાંત જળચર જીવો માટે ઘાતક સાબિત થાય છે. બીજી તરફ સરકારે પણ સ્કિલ ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત માટીની મૂર્તિ બનાવતા કારીગરો માટે તેમની ઇકો ફ્રેંડલી મૂર્તિના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો આ પરંપરાગત ઉદ્યોગને જીવતદાન મળવા ઉપરાંત પૃથ્વી પર ફેલાઈ રહેલા પ્રદૂષણને અટકાવી શકાય. પી.ઓ.પી.ની મૂર્તિનું વેચાણ જો બંધ કરી દેવામાં આવે તો પર્યાવરને મોટો ફાયદો થઈ શકે તેમ છે.