બનાસકાંઠાઃ કોરોના વાઇરસને સંક્રમિત થતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, પોતાના વતન છોડી ધંધા-રોજગાર માટે અન્ય રાજ્યોમાં સ્થાયી થયેલા અનેક લોકો લોકડાઉન જાહેર થતાં જ પોતાના વતન તરફ જવા માટે નીકળી પડ્યા હતા. જેમાં ખાસ કરીને યુપી ,બિહારના લોકો સૌથી વધુ અન્ય રાજ્યોમા રોજગાર અર્થે ગયા હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે ઘરે જવા માટે નીકળ્યા હતા.
જેમાં યુપીના ઇટાવા જિલ્લાના વતની અને સુરત સ્થાયી થયેલા રાજપૂત સમાજના બે પરિવારો પણ લોકડાઉન જાહેર થતાં તે દિવસે પોતાના વતન જવા માટે નીકળ્યા હતા અને ક્યાંક ચાલતા તો કયાંક કોઇ વાહન મળે ત્યાં બેસી જતા તેમ કરતાં કરતાં તેઓ ચાર દિવસે રાજસ્થાનના જયપુર ખાતે પહોંચ્યા હતા.
રાજસ્થાન સરકાર દ્વારા લોકડાઉનનો કડક અમલ કરતા આ રાજપૂત પરીવારના 18 જેટલા લોકોને પાછા ખાનગી વાહન મારફતે ગુજરાત પરત મોકલી દેવામાં આવ્યા છે, ત્યારે હવે આ રાજપૂત પરિવાર પાછો ચાલતા ચાલતા ડીસા આવ્યા હતા, સતત 6 દિવસથી ચાલતા આ લોકોના પગે પણ છાલા પડી ગયા હતા, જ્યારે આ પદયાત્રી મહિલાઓએ તેમની પરિસ્થિતિ જણાવતા આંખમાં આંસુ આવી ગયા હતા.