કાકરેજ: એશિયાની સૌથી મોટી ડેરી ગણાતી બનાસ ડેરીની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ દૂધ મંડળી પર અનેક વિવાદો બહાર આવતા ક્યાંક ડેરી બંધ કરવામાં આવી રહી છે. ક્યાંક ગામલોકો દ્વારા જ તાળાબંધી કરવામાં આવી રહી છે. બનાસડેરીની ચૂંટણી નજીક આવતાની સાથે છે. જિલ્લામાં અત્યાર સુધી અનેક દૂધ મંડળીઓ પર જાણે ખેડૂતોનોને પશુપાલકોનો કંઈ હક જ ના હોય તેમ મન ફાવે ત્યારે બંધ કરી દેવામાં આવે છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં અનેક દૂધ મંડળીઓ બંધ કરી દેવામાં આવતા પશુપાલકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.
રોજેરોજ દૂધ ભરાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પશુપાલકોની હાલત હાલ કફોડી બની છે. ખેતીમાં વારંવાર આવતા નુકસાનના કારણે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી વારવાર દૂધ મંડળીઓ બંધ ચાલુ થતા પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલી ભગવાનપુરા (ઉંબરી) દુધ ઉત્પાદક મંડળી દ્વારા સ્થાનિક ડેરી તરફથી નફો ફાળવવામાં ન આવતા પશુપાલકો મોટી સંખ્યામાં હાજર સાંજે ભગવાનપુરા ડેરી પર તાળાબંધી કરવામાં આવી હતી.
અવારનવાર ડેરીના મંત્રી દ્વારા નફાના સમયે ગોટાળો કરવામાં આવતા આખરે કંટાળેલા ભગવાન પુરા ગામના લોકોએ ડેરીને બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને પોતાના દૂધમાં નુકસાન વેઠવીને પણ તાળાબંધી કરી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન થઇ રહેલા ગ્રામજનોની એક જ માગ છે કે, જ્યાં સુધી ડેરી દ્વારા આ ગામમાં આવેલી દૂધ મંડળી પર સારો વ્યવહાર શરુ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ દૂધ મંડળી પર તાળાબંધી રાખવામાં આવશે.
કાંકરેજ તાલુકાના ભગવાનપુરા (ઉંબરી) દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સ્થાનિક ડેરી તરફથી નફો ન ફાળવવામાં આવતા પશુપાલકો રોષે ભરાયા હતા. આ ઉપરાંત ગ્રામજનો 200થી વધુ સંખ્યામાં હાજર રહી ભગવાનપુરા મંડળી પર તાળાબંધી કરી હતી. ગ્રાહકો દ્વારા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ જિલ્લા રજીસ્ટાર બનાસકાંઠા પાલનપુર અને શીત કેન્દ્ર ખીમાણામાં આ બાબતે પશુપાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઇ ઉકેલ ન આવતા પશુપાલકોએ મોટી સંખ્યામાં હાજર રહી ડેરીની તાળાબંધી કરી હતી.
ગ્રાહકો દ્વારા ડેરીના મંત્રી તેમજ ચેરમેનને કોન્ટેક્ટ કરતા તેઓ ગ્રાહકોને 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમય પૂર્ણ થઈ જતા મોબાઇલ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. ગ્રાહકોએ જણાવ્યું હતું કે, જયાં સુધી અમારી માગનો ન્યાય નહીં થાય, ત્યાં સુધી અમે સતત ડેરી પર તાળાબંધી રાખીશું. મંડળીના ચેરમેન અને મંત્રી વિરુદ્ધ બનાસડેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીને કરેલી રજૂઆતમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મંડળીમાં સંઘે રુપિયા 44,68,149નો નફો ફાળવ્યો હતો. આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પશુપાલકોની માગ છે.