બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં લોકોની આફત હજૂ ટળી નથી. એક પછી એક કુદરતી આપત્તિઓનો સામનો અહીંની પ્રજા કરી રહી છે. તીડ હોય, કમોસમી વરસાદ હોય, દુષ્કાળ હોય કે પછી દીપડાનો આતંક. અહીંના લોકોને વારંવાર નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે હવે છેલ્લા એક અઠવાડિયાથી દીપડો આતંક મચાવી રહ્યો છે.
છેલ્લા એક અઠવાડિયાથી દીપડાને પકડવા માટે સ્થાનિક ગ્રામજનો અને વન વિભાગની ટીમ દિનરાત પ્રયાસ કરી રહી છે. તેમ છતાં પણ દીપડો આ તમામને હાથતાળી આપી છટકી રહ્યો છે. સૌપ્રથમ 21 ઓગસ્ટના રોજ મોડી રાત્રે વાવ તાલુકાના રિલુચી ગામે દીપડો દેખાયો હતો. આ સમયે સ્થાનિક ગ્રામજનોએ દીપડાનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. તેમજ વન વિભાગને જાણ કરતા બીજા દિવસે વહેલી સવારથી જ વન વિભાગની ટીમો દીપડાને શોધવા માટે કામે લાગી ગઈ હતી.
સ્થાનિક ગ્રામજનો પણ વન વિભાગને મદદ કરવા માટે જોડાઈ ગયા હતા, પરંતુ આ તમામ લોકોના હાથમાંથી છટકી જઇ દીપડો ખેતરોમાં ઉભા પાકમાં સંતાઈ જતો હતો અને આવા સમયે આ દીપડાથી અજાણ ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં કામ કરવા માટે કે ચારો લેવા માટે જાય ત્યારે શિકારની શોધમાં બેઠેલો દીપડો ખેડૂતો પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
દીપડાના હુમલાના સમાચાર મળતા જ આજુબાજુના ગ્રામજનો પણ સતર્ક બની ગયા હતા. અને દિનરાત દીપડાને પકડવા માટેની મથામણમાં લાગી ગયા હતા. જોકે આ સરહદી વિસ્તાર માં ચોમાસુ બાજરી અને ઘાસચારો વધુ વાવેલું હોવાના કારણે ખેતરો ની અંદર દીપડો ચાર-પાંચ ફૂટ ઊંચા ઘાસમાં સંતાઈ જતા તેને પકડવું વન વિભાગ માટે પણ મુશ્કેલીભર્યું બની ગયું હતું. ઘાસચારાની અંદર સંતાયેલા દીપડાના પગલે પગલે ચાલી તેને પકડવા જતા ચારામાં સંતાયેલા દીપડાએ એક પછી એક ખેડૂતોને ટાર્ગેટ કરી રહ્યો હતો.
છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં દીપડો આતંક મચાવી રહ્યો હતો. તેમ છતાં પણ વન વિભાગની ચૂંગલમાંથી છટકી જઈ દીપડાએ અત્યાર સુધી 8 લોકો પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. જો કે, હજૂ સુધી દીપડાએ કોઈપણ મારણ કર્યું નથી. તેમજ તેના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત પણ થયું નથી. 7 દિવસ વીતી જવા છતા દીપડો ન પકડાતા વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. વન વિભાગ નિષ્ફળતાના કારણે જ દીપડો પકડાયો નથી તેમ પણ જણાવ્યું હતું.
એક અઠવાડિયાથી સતત દીપડાના પગલે પગલે વન વિભાગની ટીમો અને ગ્રામજનો તેને પકડવા માટે પાછળ પાછળ દોડી રહ્યા છે, પરંતુ દીપડો છે કે, હજૂ સુધી કોઈના હાથે ચડ્યો નથી. ત્યારે શનિવારે પણ વહેલી સવારે દરેક ગામની સીમમાં દીપડો દેખાતા જ તમામ લોકો અને વન વિભાગની અલગ અલગ 6 તાલુકાની ટીમો અને SRPની ટીમ પણ આવી ગઈ હતી. જો કે, દીપડાનો પીછો કરતા કરતા હવે દીપડો રાજસ્થાનમાં ચાલ્યો ગયો હોય તેવું તેના પગલા મળી આવ્યા હોવાનું RFOએ જણાવ્યુ છે.
બનાસકાંઠા જિલ્લામાં વારંવાર દીપડાઓ અને રીંછ જેવા હિંસક પ્રાણીઓ આવી જાય છે. ખાસ કરીને બાજુમાં જ જેસોર અભ્યારણ તેમજ રાજસ્થાનના પહાડી વિસ્તારોમાંથી પણ દીપડાઓ શિકારની શોધમાં આવી જતા હોય છે, પરંતુ આ વખતે સતત 7 દિવસ સુધી દીપડો ન પકડાતા અને 8થી વધુ લોકોને ઇજા પહોંચાડતા લોકોમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે.
લોકો દિવસે તો ઠીક પરંતુ રાત્રે પણ તાપણા કરીને પોતાના જાનમાલની તેમજ પશુઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વન વિભાગે તો દીપડો રાજસ્થાન જતો રહ્યો હોવાનું જણાવી સંતોષ માની લીધો છે, પરંતુ અહીંના લોકો હજૂ પણ દહેશતમાં છે. જ્યા સુધી દીપડો નહીં પકડાય ત્યાં સુધી લોકો ભયના ઓથા હેઠળ જીવવા મજબુર છે. દીપડો ક્યારે પકડાશે તે તો આવનારો સમય જ જણાવશે.