- મૌલિક વિચાર અને નવીન સંશોધન હરિફાઈમાં 22 રાજ્યોમાંથી 9 હજાર આઈડિયા મળ્યા હતા
- સમગ્ર દેશમાં પસંદ થયેલા 15 બાળ સર્જક પૈકી ચાર્મી પંડ્યાની પસંદગી
- ચાર્મી પંડ્યાએ આ વખતે કુલ 5 નવા વિચાર મોકલ્યા હતા
બનાસકાંઠાઃ આધુનિક જગતમાં શિક્ષણ જેટલું જ મહત્વ નવ સર્જન કે નવ વિચારનું છે. ભારત રત્ન, દેશના પૂર્વ રાષ્ટ્પતિ અને મિસાઈલ મેન તરીકે ઓળખાતા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઈજ્ઞાઈટ એવોર્ડ સમગ્ર દેશના બાળકો માટે એક અભિનવ સન્માન બને છે. બાળકોમાં રહેલી સર્જનશીલતા અને તેના દ્વારા વિવિધ સમસ્યાના સમાધાન માટે છેલ્લા એક દાયકાથી આ સન્માન આપવામાં આવે છે. સમગ્ર દેશના બાળકો પોતાના ઇનોવેશન કે નવો વિચાર મોકલતા હોય છે. દર વર્ષે બાળકોના હજારો વિચારોમાંથી 30 ઇનોવેશન વિચારો પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા નવ વિચારોની જાહેરાત 15 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાંથી 9 હજાર નવા વિચારો રજૂ થયા હતા. આ પૈકી 15 વિચારોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાને સન્માન પ્રાપ્ત થયું
બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર શહેરને સમગ્ર દેશમાં આ અંગે સન્માન પ્રાપ્ત થયું છે. છેલ્લા વર્ષોમાં NIFના સ્થાપક સહયોગી, હની બી નેટવર્કના ફાઉન્ડર અને સૃષ્ટિના સંયોજક પદ્મશ્રી અનિલ ગુપ્તા દ્વારા બાળ નવસર્જકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંવાદ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ તેમના દ્વારા 'ચલો આવિષ્કાર કરે' નામની ઓન લાઈન કાર્યશાળાનું આયોજન કરાયું હતું.

ચાર્મી પંડ્યાના નવા વિચારની IGNITE એવોર્ડ માટે પસંદગી
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ભારત રત્ન અબ્દુલ કલામ સ્થાપિત નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વાર આયોજિત બાળ સર્જનશીલતા અંતર્ગત NIFના સ્થાપક સભ્ય અને સૃષ્ટિના સંયોજક અનિલ ગુપ્તા દ્વારા બાળકોના નવ સર્જન મોકલી આપવા પહેલ કરવામાં આવી હતી. આ પૈકી પાલનપુર વિદ્યામંદિર ખાતે ગુજરાતી માધ્યમમાં ધોરણ 10માં અભ્યાસ કરતી ચાર્મી પંડ્યાના નવ વિચારની IGNITE એવોર્ડ માટે પસંદગી થઇ છે. ચાર્મી પંડ્યા દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ખુરશીમાં બેસવા કે ઉઠવામાં મુશ્કેલી ન પડે એવા વિચાર સાથે મોડલની ડિઝાઈન આપવામાં આવી હતી. જેમાં દેશમાંથી માત્ર એક પાલનપુરની ચાર્મીનું નામ એવોર્ડ માટે જાહેર કરવામાં આવતા પરિવારે ખુશીની લાગણી અનુભવી હતી. આ એવોર્ડ માટે પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાર્મી પંડ્યાને મદદ કરવામાં આવતી હતી.

ચાર્મી પંડ્યા દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ રીતે નવા વિચાર સૃષ્ટિને મોકલવામાં આવતા હતા
દર વર્ષની માફક આ વર્ષે પણ ભારત રત્ન અબ્દુલ કલામના જન્મદિવસે આ પસંદ થયેલા નવા વિચારક બાળકોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં પસંદ થયેલા 15 બાળ સર્જક પૈકી ચાર્મી પંડ્યાની પસંદગી થતાં સમગ્ર દેશમાં વિદ્યામંદિર શાળાએ ફરીથી પોતાનું અવ્વલ સ્થાન સાબિત કર્યું હતું. ચાર્મી પંડ્યા દ્વારા છેલ્લા ચાર વર્ષથી સૃષ્ટિને નવ વિચાર મોકલવામાં આવતા હતા. અત્યાર સુધી બાળ સર્જકોને શોધવા ચાલતી કેટલીય કાર્ય શાળાઓમાં તેમણે ભાગ લીધો હતો. આઈ.એ.એમ. આમદવાડ, દિલ્હી, મહારાષ્ટ્ર સોલપુર અને રાજસ્થાન ખાતે તેઓએ કાર્યશાળામાં ભાગ લીધો હતો.

ગાયક અને ચિત્રકાર તરીકે અનેક ઇનામ મેળવનારી ચાર્મી પંડ્યા પદ્મશ્રી અનિલ ગુપ્તાના વ્યક્તિગત ચાહક છે. તેમના "ચલો આવિષ્કાર કરે" સાથે ઓન લાઈન જોડાઈને તેમણે આ વખતે પણ કુલ 5 નવા વિચાર મોકલ્યા હતા. 15 ઓક્ટોબરના દિવસે જાહેર થયેલા બાળ નવ સર્જકોની યાદીમાં બનાસકાંઠા જિલ્લાને સ્થાન અપાવનારી ચાર્મી પંડ્યા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ માટેના કેટલાક કાર્યક્રમમાં જોડાઈ છે. દૂરદર્શન અને રેડિયો ઉપર કેટલાક કાર્યક્રમમાં તેઓની વિવિધ કલાનું પ્રસારણ થતું રહે છે.

સમગ્ર દેશભરમાંથી એર્વોડ માટે ચાર્મી પંડ્યાનું નામ જાહેર
બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ કહી શકાય તેવી ચાર્મી પંડ્યા નાનપણથી લોકો સામે ઉપયોગી નવા-નવા વિચારો રજૂ કરતી હતી. ત્યારે સમગ્ર દેશભરમાંથી એવોર્ડ માટે ચાર્મી પંડ્યાનું નામ જાહેર થતા પોતાના પરિવાર તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે અને હજુ પણ જો ચાર્મી પંડ્યાને તક મળશે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાને વધુ એક એવોર્ડ અપાવવા માંગે છે.