- પાલનપુર પાલિકાના વોર્ડ નંબર-1 માં પાયાની સુવિધાઓનો પણ અભાવ
- સતત ચાર ટર્મથી ચૂંટાતા નગરસેવક સામે લોકોમાં નારાજગી
- સફાઈ, પાણી, રસ્તાની સમસ્યા નહીં ઉલેકાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
પાલનપુર: નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રજાનાં પ્રશ્નોને લઈને રાજકીય ગરમાવો વેગ પકડી રહ્યો છે. જોકે પ્રજાના વોટ લઈ ઠાલા વચનો આપી પોતાના વિસ્તારોમાં લોકોના ધાર્યા કામો ન કરાવનાર અને લોકોના બતાવેલા કામોની અવગણના કરનારા નગરસેવકો સામે હવે પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.
ભાજપના શાંતિભાઈ પઢીયારના રાજમાં વિકાસના કોઈ કામો થયા નથી તેમજ પ્રાથમિક સુવિધાઓ પણ મળી નથી
પાલનપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જ ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓ ટિકિટ મેળવવા થનગની રહ્યા છે. ત્યારે વોર્ડ નં.1 માં સફાઈ, રસ્તા, પાણી જેવી કોઈ જ સમસ્યા હલ થતી નથી. અહીં વરસોથી એકના એક નગરસેવકોને જીતાડવામાં આવતાં હોવા છતાં તેઓ પ્રાથમિક સમસ્યાઓ પણ હલ કરાવી શકતા નથી. આ વિસ્તારના પૂર્વ નગરસેવક ગજરાજ ગોસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લી ચાર ટર્મથી નગરસેવક રહેલા ભાજપના શાંતિભાઈ પઢીયારના રાજમાં વિકાસના કોઈ કામો થયા નથી તેમજ પ્રાથમિક સુવિધાઓ પણ મળી નથી. તેથી રોષે ભરાયેલા લોકોએ શાંતિભાઈ પઢીયારને રિપિટ ન કરવા માંગ કરી છે. ગત ટર્મમાં ભાજપની પેનલમાં જીતેલા ખુદ ભાજપના જ પૂર્વ નગરસેવિકા સંતોકબેન રાજપુતે પણ શાંતિભાઈ પઢીયારનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જો ભાજપ તેઓને ઉમેદવાર બનાવશે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ સ્થાનિકોએ આપી હતી.
ચૂંટણી બહિષ્કારની ચીમકીથી તંત્રમાં દોડધામ
વોર્ડ નંબર-1 ના સ્થાનિકોના રસ્તા, પાણી, સફાઈ જેવા પાયાના પ્રશ્નો પણ હલ થતાં નથી. લોકોને માત્ર 10 મિનિટ જ પાણી મળે છે. આ વોર્ડના બાવરી ડેરા, તાજપુરા, પ્રકાશનગર જેવા વિસ્તારો પ્રત્યે ઓરમાયું વર્તન રખાતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ વોર્ડમાં 11 હજાર 118 મતદારો છે. છતાં કોઈ જ કામ નહીં થતા હોવાથી ચાર ટર્મથી ચૂંટાતા નગરસેવક શાંતિભાઈ પઢીયાર સામે પોસ્ટરો લગાવી લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતાં વહીવટીતંત્ર દોડતું થયું હતું.