બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા દોઢથી બે વર્ષથી RTO સર્કલ થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. અચાનક નિર્માણાઘીન પુલનો સ્લેબ તૂટી પડ્યો. જેમાં બ્રિજની નીચે રીક્ષામાં બેસેલા પાલનપુરના દલિત સમાજના બે યુવકો મોતના મુખમાં ધકેલાયા ગયા... એક જ સોસાયટીના બે દીકરાઓના કમકમાટીભર્યા મોતથી પરિવારમાં મોતનો માતમ છવાયો છે. કમાતા દીકરાઓના મોત થતાં પરિવાર રઝડી પડ્યો છે.
'અમારા દીકરાઓ અમને કમાઈને ખવડાવતા હતા. માંડ અમારો દીકરો સહારો બન્યો હતો. અમને હતું કે હવે અમારા દીકરાઓ મોટા થઈ ગયા છે. તેથી હવે કંઈ વાંધો નહિ આવે પરંતુ અમે સપનામાં પણ ન હતું વિચાર્યું એવું મોત અમારા દીકરાઓને થતાં અમારો સહારો આજે રહ્યો નથી. અમારા દીકરાને ન્યાય મળે. તંત્ર સખતમાં સખત પગલાં ભરી અમને ન્યાય આપે તેવી અમારી અરજ છે. સરકાર અમને હવે આર્થિક રીતે કંઈક પણ મદદ કરે નહીંતર અમારી પરિસ્થિતિ ખૂબ કપરી છે અમારે કમાવનાર હવે કોઈ રહ્યું નથી. - મૃતકના પિતા
પરિવારની ન્યાયની માંગ: આ બંને યુવકના પરિવારની એક જ માંગ હતી કે જે તે કંપનીના કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે કાયદેસરની ફરિયાદ દાખલ થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ જ્યાં સુધી આ લોકો સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી પરિવારે પણ મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. કંપની સામે કાયદેસરની કાર્યવાહી થાય પરંતુ કામગીરીમાં વિલંબ થયો અને તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં ન આવતા પરિવારે સિવિલ આગળ ચક્કાજામ કર્યો હતો અને ન્યાય માટેની માંગ સાથે સૂત્રોચાર કર્યા હતા અને મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો હતો.
પરિવારના પ્રેશર બાદ પોલીસને GPC કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનિયરો સામે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા GPC કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનિયરો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં ભરતા પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ વિધિ કરી હતી. અકસ્માતમાં એક જ સોસાયટીના 2 યુવકોના મોત થતાં બંને પરિવારમાં કમાઉ દીકરાના મોત થતાં પરિવાર રજળી પડ્યો છે.
હાલ આ કેસની તપાસ ચલાવી રહેલા એવા ડી ટી ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે જીપીસી કંપનીના સાત ડિરેક્ટરો અને ચાર એન્જિનિયર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને આ ત્રણેય આરોપીઓને પાલનપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેમાંથી કોર્ટમાંથી તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ તેમની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.