બનાસકાંઠાઃ કોરોના મહામારીના સંકટ સમયે થરાદના કોમ્પલેક્ષ માલિકોએ દુકાનદારોનું ભાડું માફ કરી સાચી માનવતા નિભાવી છે. થરાદના 15 કોમ્પલેક્ષના માલિકોએ દુકાનદારોનું એક મહિનાનું ભાડું માફ કર્યું છે. લોકડાઉનમાં બજારો 2 મહિના સુધી સંપૂર્ણ બંધ હતી. જેથી દુકાનદારોને મોટું નુકશાન થયું હોવાથી 15 કોમ્પલેક્ષ માલિકોએ ભાડું ન લેવાનો નિર્ણય કર્યો છે.
કોમ્પ્લેક્સના દુકાન માલિકોએ ભાડુઆત પાસેથી ભાડુ માફ કરતા દુકાનદારોમાં ખુશી વ્યાપી ગઈ હતી. થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ પ્રશંસનીય નિર્ણય લેવાયો છે. જેમાં પૃથ્વી, મિલન, અમર, ચામુંડા, અમન, એકતા, શુકુન, સુપર માર્કેટ, હિંગળાજ, અનમોલ, વૈભવ, વર્ધમાન,ઓઝા ચેમ્બર્સ, શિવશક્તિ અને આનંદ કોમ્પ્લેક્સના માલિકોએ ભાડુઆતોનું ભાડું માફ કરી અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડી રહ્યા છે.