- રેલવે દ્વારા સાંકળું ગરનાળુ બનાવાતા રુપપુરાના ખેડૂતોમાં આક્રોષ
- ગરનાળાની ઉચાઈ તેમજ પહોળાઈ 33 ફૂટને બદલે માત્ર 12 ફૂટની હોવાથી થયો વિવાદ
- સ્થાનિકોને વાહનવ્યહાર લઈ જવામાં થઈ રહી છે મુશ્કેલી
- જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત
બનાસકાંઠાઃ જિલ્લામાં જે પણ ગામોમાંથી દિલ્હી-મુંબઇ રેલવે કોરિડોર લાઇન પસાર થઈ રહી છે, તે તમામ સ્થળોએ કોઈને કોઈ વિવાદ ઉભો થઈ રહ્યો છે. ત્યારે પાલનપુરના રૂપપુરા પાસેથી રેલવે લાઇન પસાર થતી હોવાથી ગ્રામજનોની અવરજવર માટે બનાવેલુ ગરનાળાની કામગીરીને લીધે રેલવે તંત્ર ફરી વિવાદોમાં ઘેરાયું છે. રેલવેએ મનસ્વી રીતે 33 ફૂટની ઉચાઈ અને પહોળાઇ ધરાવતું ગરનાળુ બનાવવાની જગ્યાએ માત્ર 12 ફૂટનું ગરનાળુ બનાવ્યું છે. જેના લીધે રૂપપુરાના ખેડૂતોને મોટા વાહનોની અવરજવર તેમજ ખેતપેદાશોના પરિવહન માટે ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપી સમસ્યાઓનું ત્વરિત નિકાલ કરવા મક્કમ રજૂઆતો કરી હતી.
રેલવે તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
બનાસકાંઠા જિલ્લામાં રેલવે તંત્ર હરહંમેશ લોકોની સમસ્યાઓ દૂર કરવાની જગ્યાએ મનસ્વી વલણ અપનાવતું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. રૂપપુરાના ગ્રામજનોએ પણ અનેક વખત રેલવે વિભાગને લેખિતમાં જાણ કરી હોવા છતાં રેલવેએ આંખ આડા કાન કરતાં આખરે સ્થાનિક ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યા ત્વરિતપણે દૂર કરવા રજૂઆત કરી હતી.