બનાસકાંઠાઃ જિલ્લામાંથી ફરી એકવાર અફીણના રસ સાથે એક શખ્સની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. ભાભર પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન સુઈગામ સર્કલ પાસેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી કાર શંકાસ્પદ જણાતા તેને રોકાવાની કોશિશ કરી હતી, પરંતુ કાર ચાલક પોલીસને જોઇને ત્યાંથી નાસી છૂટયો હતો.
પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી કાર ચાલકને આંતરીને ઝડપી પાડયો હતો અને કારની તપાસ કરતા તેમાંથી 2.200 કિલોગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. પોલીસે અફીણના રસ સાથે કારચાલકની અટકાયત કરી હતી. જ્યારે 3 મોબાઈલ, અફીણનો રસ સહિત કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાંથી વારંવાર માદક દ્રવ્યોની હેરાફેરી સામે આવી રહી છે અને છેલ્લા ચાર મહિનાની અંદર 5મી વખત અફીણના છોડ, અફીણનો રસ કે ચરસની હેરાફેરી જેવી દેશવિરોધી પ્રવૃત્તિને પોલીસે ઝડપી પાડી છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં પોલીસ હજી વધુ સક્રિય બને અને આવી પ્રવૃતિઓને અટકાવી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવુ જિલ્લાવાસીઓ ઇચ્છી રહ્યા છે.