- બનાસકાંઠામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અનઅધિકૃત પ્રેક્ટિસ કરતાં ઝડપાયો
- સંજય જોષી છેલ્લા એક વર્ષથી ખાનગી પ્રેક્ટિસ કરતો હતો
- આરોગ્ય વિભાગની કાર્યવાહીથી અન્ય ડૉક્ટરોમાં ફફડાટ
પાલનપુરઃ બનાસકાંઠામાં વધુ એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અનઅધિકૃત પ્રેક્ટિસ કરતાં ઝડપાઈ ગયો છે. છેલ્લા છ મહિનાથી પિતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢી ઘરે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાં આરોગ્ય વિભાગની ટીમે તેને રંગે હાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અનઅધિકૃત પ્રેક્ટિસ કરતાં ઝડપાયો
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ છેલ્લા છ મહિનાથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા સરકારી કર્મચારીઓ પર તવાઈ વરસાવી રહ્યું છે. જેમાં રવિવારે વધુ એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને આરોગ્ય વિભાગે રંગેહાથ ઝડપી પાડયો છે. ડીસા તાલુકાના લોરવાડા પીએચસી સેન્ટર ખાતે નોકરી કરતાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંજય દલસુખભાઈ જોશી છેલ્લા એક વર્ષ થી ઘરે ગેરકાયદેસર ખાનગી પ્રેક્ટિસ કરતો હતો. તેમજ છેલ્લા છ મહિનાથી તેમના પિતાની તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવી રજા પર હતો. જ્યારે તે કાંકરેજ તાલુકાના ઉણ ગામે ગેરકાયદેસર પ્રેક્ટિસ ચલાવી રહ્યો હતો. જે અંગેની માહિતી મળતા જ ડીસાના ડો. કે પી દેલવાડીયા સહિત આરોગ્ય વિભાગની ટીમે ઉણ ગામે દરોડા પાડયા હતાં. જ્યાં પોતાના ઘરમાં સંજય જોષી ખાનગી પ્રેક્ટિસ કરતો ઝડપાઇ ગયો હતો. આરોગ્ય વિભાગની ટીમે તેના ઘરેથી મોટી માત્રામાં દવાઓનો જથ્થો પણ ઝડપી પાડયો છે. તેમજ તેની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંજય જોષી છેલ્લા એક વર્ષથી ખાનગી પ્રેક્ટિસ કરતો હતો
આ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંજય જોષી છેલ્લા એક વર્ષથી ખાનગી પ્રેક્ટિસ કરતો હતો. સંજય જોશી એક તરફ સરકારી પગાર લેતો હતો જ્યારે બીજી તરફ ખાનગી પ્રેક્ટિસ કરીને પણ રૂપિયા કમાતો હતો. ત્યારે આવી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો હોવાનું ધ્યાને આવતા જ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી તેને રંગેહાથ ઝડપી પાડયો છે.
આરોગ્ય વિભાગની કાર્યવાહીથી અન્ય ડૉક્ટરોમાં ફફડાટ
છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ડોકટરો પર આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડી સોનોગ્રાફી મશીન તેમજ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં એવા ઘણા બધા ડોક્ટરો છે કે જેઓ ગેરકાયદેસર નાના-મોટા હોસ્પિટલો ખોલી અને દર્દીઓ પાસેથી મોટા પ્રમાણમાં પૈસા પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા આવા ડોકટરો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારની ભોળી પ્રજા આવા ડોક્ટરોથી બચી શકે તેમ છે.