- પાલનપુર-અમદાવાદ હાઇવે પર મજાદર નજીક અકસ્માત
- મજૂર વતન પહોંચે તે પહેલાં જ મોતને ભેટ્યો
- ટ્રકે કાબૂ ગુમાવતા સરજાયો અકસ્માત
બનાસકાંઠા : જિલ્લામાં દિનપ્રતિદિન માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે, ત્યારે વધુ એક માર્ગ અકસ્માતમાં ટ્રક નીચે એક્ટિવા આવી જતાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમજ એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં તેને પાલનપુર સિવીલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
બે યુવકોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત
રાજસ્થાનના ભીનમાલ જિલ્લામાં રહેતાં બે યુવકો જોઈતાભાઈ પુરોહિત અને શંભુરામ પુરોહિત અમદાવાદમાં મજૂરી કામ કરતા હતા. તેમને શનિવારે વહેલી સવારે એક્ટિવા પર અમદાવાદથી વતન રાજસ્થાન જવા નીકળ્યાં હતાં, ત્યારે વડગામ તાલુકાના મજાદર નજીક હાઇવે પર પાછળથી આવતી ટ્રકચાલકે કાબૂ ગુમાવી એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ટ્રકના આગળના ભાગમાં આવી ગઈ હતી. એક્ટિવા ચાલક જોઈતારામ નાથુરામ પુરોહિતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક્ટિવા પાછળ બેસેલા શંભુરામ પ્રતાપજી પુરોહિતને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને 108ની મદદથી સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં.