- PM આવાસ યોજના
- લાભાર્થીઓએ પ્રથમ હપ્તાની રકમ લીધી
- આવાસનું બાંધકામ શરૂ કરાવામાં આવ્યું નથી
- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 300 લાભાર્થીઓને નોટિસ
- પોલીસ ફરીયાદ થઈ શકે છે
બનાસકાંઠા: જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી એક મિશનરૂપે ચાલી રહી છે.ત્યારે આ કામગીરી દરમિયાન આવાસ મંજૂર થયા હોય તેવા 300 લાભાર્થીઓએ પ્રથમ હપ્તાની રકમ લીધા બાદ પણ આવાસ બનાવવાનું કામ શરૂ નહીં કરાતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ તમામ લાભાર્થીઓને નોટિસ પાઠવી છે.
મકાન વિહોણા લોકોને રૂપિયા 1 લાખ 20 હજારની સહાય
બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આવેલી છે. આ ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા મકાન વિહોણા લોકોને રૂપિયા 1 લાખ 20 હજારની સહાય અપાય છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 15 હજાર 835 મકાનો મંજૂર થયા છે. જેમાંથી 15 હજાર 139 આવસોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 603 આવાસો પૈકી 303 આવસોનું કામ કાર્યરત છે. જ્યારે 300 આવાસોના લાભાર્થીઓએ પ્રથમ હપ્તાના 30 હજારનો ચેક લીધા બાદ પણ આવાસના બાંધકામની કોઈ જ કામગીરી હાથ ધરી નથી.લાભાર્થીઓને વારંવાર નોટિસ આપવા છતાં આવાસનું બાંધકામ શરૂ નહીં કરવામાં આવતા હવે તાલુકા કક્ષાએથી નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૂત્રએ જણાવ્યું હતું કે, જો લાભાર્થીઓ દ્વારા નોટીસનો યોગ્ય જવાબ નહિ આપવામાં આવે તો તેમની સામે રકમ રિકવર કરવા ઉપરાંત પોલીસ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તાલુકાદીઠ ફટકારમાં આવેલી નોટિસ
- ધાનેરા-128
- થરાદ- 89
- વડગામ- 63
- અમીરગઢ-61
- દાંતા - 56
- કાંકરેજ- 45
- પાલનપુર- 41
- વાવ- 40
- લાખણી- 25
- દાંતીવાડા- 18
- ડીસા- 13
- દિયોદર- 10
- ભાભર- 08
- સુઇગામ- 06