ડીસા: લાલચાલી વિસ્તારમાં રહેતા કમળાબેન ઠક્કરે વર્ષ 2017 માં તેઓના કુલ સાત તોલા સોનાના દાગીના ડીસાના ફુવારા સર્કલ પાસે આવેલ રાજદીપ જ્વેલર્સમાં આપી કુલ પાંચ તોલા નવા દાગીના ખરીદ્યા હતા. જેમાં તેમણે સોનાનો દોરો, ચાર સોનાની બંગડી મળી કુલ પાંચ તોલા સોનાના દાગીના લેતા જ્વેલર્સ સંચાલકે પાકું બિલ પણ આપેલું હતું. કમળાબેનને હવે પૈસાની જરૂર પડતા તેઓ તારીખ 17 માર્ચ 2023ના રોજ તેમના પતી સાથે રાજદીપ જ્વેલર્સમાંથી ખરીદેલ સોનાના દાગીના પરત વેચવા જતા રાજદીપ જ્વેલર્સમાં હાજર મેનેજરે તેઓને અમો દાગીના પરત નહીં લઈએ તેમ જણાવ્યુ હતું.
"અમે દાગીના બનાવવા માટે કુલ સાત તોલા સોનાના દાગીના આપ્યા હતા. તેની સામે પાંચ તોલા નવા દાગીના લીધા હતા, જેમાં તેમણે સોનાનો દોરો ચાર સોનાની બંગડી મળી કુલ પાંચ તોલા સોનાના દાગીના લીધા હતા. ત્યારબાદ અમે આ દાગીના ડીસામાં લેખરાજ ચાર રસ્તા પાસે આવેલા સોના ચાંદીની દુકાનમાં દાગીના વેચવા ગયા હતા. તેમણે દાગીના જોઈને જ કહી દીધું કે દાગીના ખોટા છે. તેમ છતાં તમે ટચ કઢાવી લાવો ત્યારે ખબર પડે અને ટચ કઢાવી તેનું ટેસ્ટિંગ કર્યું ત્યારે ખબર પડી કે દાગીના તો નકલી છે. ત્યારે અમે પાછા અહીં આવ્યા પણ અમને કંઈ વ્યવસ્થિત જવાબ આપ્યો નહીં અને અને ભરતભાઈએ અમને કીધું કે આ દાગીના અમારી દુકાના નથી તેમ કહી અડધું જ કરી અમને કાઢી મૂક્યા ત્યારે અમે જ્વેલર્સના માલિક સામે હવે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે."-- કમળાબેન ( છેતરપિંડીનો ભોગ બનનાર)
દુકાનમાંથી કાઢી મૂક્યા: કમળાબેન અને તેમના પતિ લેખરાજ ચાર રસ્તા પાસે આવેલ સોના ચાંદીની દુકાનમાં દાગીના વેચવા ગયા હતા. જેથી દુકાનદારે દાગીનાનું ટચ કઢાવ્યા બાદ ભાવની ખબર પડશે તેમ જણાવ્યા તેઓ બંને જણાએ સોનાના દાગીનાનો ટેસ્ટિંગ લેબોરેટરીમાં ટચ કઢાવતા ટેસ્ટિંગ કરનારે આ દાગીના નકલી હોવાનું જણાવી દાગીના નકલી હોવાનું બિલ પણ આપ્યું હતું. દાગીના નકલી હોવાની જાણ થતાં જ કમળાબેન અને તેમના પતિ આ બિલ લઈને રાજદીપ જ્વેલર્સના માલિક ભરતભાઈ ચૌધરીને મળ્યા હતા. પરંતુ ભરતભાઇએ આ દાગીના તેમની દુકાનેથી ખરીદેલ નથી તેમ કહી બંને જણાને દુકાનમાંથી કાઢી મૂક્યા હતા.