- ગુજરાતનું એક માત્ર ગામ કે જ્યાં નથી ઉજવાતી ઉત્તરાયણ
- પતંગ ચગાવવા પર થાય છે દંડ
- પતંગ ચગાવતા અનેક લોકોના મોતથી ઉત્તરાયણની ઉજવણી બંધ
બનાસકાંઠાઃ ગુજરાતીઓ આમ તો દરેક તહેવારની ઉજવણી રંગે ચંગે કરતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના વાઈરસની મહામારીના કારણે અનેક તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આમ તો દર વર્ષે ઉતરાયણના પર્વની સમગ્ર ગુજરાતભરમાં લોકો પતંગ ચગાવી અને ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં હોય છે, જોકે, ચાલુ વર્ષે કોરોના વાઈરસ ની મહામારીના કારણે સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવતાં જ ઉતરાયણના પર્વ પર મોટી અસર જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતભરમાં દર વર્ષે બે દિવસ સુધી લોકો પતંગ ચગાવી સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરતાં હોય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ દર વર્ષે બે દિવસ સુધી લોકો પોતાના ધાબા પર ચડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા નજરે પડે છે.
પતંગ ચગાવવા પર પૂર્ણ પ્રતિબંધ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા ફતેપુરા ગામ ગુજરાતનું એક માત્ર એવું ગામ છે કે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી. અહી પતંગ ચગાવવા પર પૂર્ણ પ્રતિબંધ છે. વર્ષોથી આ ગામનો કે અન્ય ગામનો યુવાન અહી પતંગ ચગાવવા આવી શકતો નથી. ફતેપુરા ગામમાં મોટા ભાગના મકાનોની છત પર કઠેડા નથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે. જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકળવા જતા મોતને ભેટવાના અનેક બનાવો ગામમાં બની ચુક્યા હતા. જેના કારણે આ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોકો પતંગ ચગાવવાના બદલે આખો દિવસ ક્રિકેટ કે અન્ય રમતો રમી સમય પસાર કરે છે આમ ગુજરાતનું એકમાત્ર એવું આ ગામ છે કે જ્યાં વર્ષોથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
1991થી ગામલોકોએ કર્યો છે નિર્ણય
આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે 1991માં ગામના વડીલોએ એક ખાસ નિયમ બનાવ્યો હતો. આ નિયમ હતો પતંગ નહિ ચગાવાનો. ગામના યુવાનોએ નક્કી કર્યું કે, ગામના કોઈ પણ બાળક કે યુવાનોએ ઉત્તરાયણના દિવસે પણ પતંગ નહી ચગાવવાનો તેમજ જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાશે તો તેણે 5 બોરી કઠોળનો દંડ ફટકારવામાં આવે છે. ગ્રામજનોએ બનાવેલા આ નિયમનું 1991થી આજદિન સુધી કડક પાલન થઇ રહ્યું છે. 23 વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ પતંગ ચગાવ્યો હોય તેવો એક પણ બનાવ જોવા મળ્યો નથી.
વર્ષોથી ગામના યુવાનો નિભાવી રહ્યા છે ગામનો નિર્ણય
પતંગ નહી ચગાવવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હોવાથી 23 વર્ષોથી આ ગામમાં ઉતરાયણ તહેવારમાં કોઈ જ જાનહાની થઇ નથી. એટલું નહી પતંગ દોર પાછળ થતી આર્થિક બરબાદી પણ અટકી ગઈ છે. દરેક ગામને શહેરના યુવાનો અને બાળકો જ્યાં ઉતરાયણ પર પતંગની મજા માણતા હોય છે ત્યાં આ ગામના યુવાનો ક્રિકેટ રમી અનોખી રીતે ઉતરાયણ મનાવે છે. તેમનું માનવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ ગામના વડીલોએ કરેલો નિર્ણય અમે આજીવન નિભાવીશું.
ફતેપુરા ગામનો આ નિર્ણય એક આદર્શ નિર્ણય થઈ રહ્યો છે સાબીત
ઉત્તરાયણ પર પતંગ ચગાવવાના કારણે ગુજરાતમાં ઉતરાયણના દિવસે જ અનેક વ્યક્તિઓ અને પક્ષીઓના મોત નીપજતા હોય છે. ધારદાર પતંગની દોરી પણ અનેક મનુષ્યો અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતની દોરી સાબિત થતી હોય છે. ત્યારે ફતેપુરા ગામનો આ નિયમ એક આદર્શ સાબિત થઇ રહ્યો છે.