બનાસકાંઠા: પાલનપુરમાં વર્ષો પહેલા દિલ્હીગેટ વિસ્તારમાં ટાઉન હોલ હતો. જ્યાં નાટક સહિત અવનવા કાર્યક્રમો યોજાતા હતા. પરંતુ હોલની હાલત લથડી ગયા બાદ શહેરમાં અન્ય કોઇ સુવિધા ન હોવાથી પાલનપુર પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં લઇ 6.74 કરોડના ખર્ચે શહેરના હેડક્વાર્ટર્સ માર્ગ પર ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે.
જેને લઇ મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ટાઉન હોલનો ઇ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ પરબત પટેલ પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઇ ચૌધરી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
જો કે કારોના મહામારી વચ્ચે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ટાઉન હોલમાં તો સોશિયલ ડિસ્ટન્સ રખાયું પરંતુ લોકાર્પણ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ટાઉનહોલની તકતીનું અનાવરણ કરવા પહોંચેલા સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી સહિત ભાજપના આગેવાનો ફોટા પડાવવામાં એટલા તલ્લીન થયા કે કાર્યક્રમ દરમિયાન સાચવેલું સોશિયલ ડિસ્ટન્સ કાર્યક્રમના અંતમાં ભૂલી ગયા હતા
તેમજ હોલમાં જ ટોળેટોળાં વળતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. જો કે વર્ષો બાદ શહેરમાં પાલિકા દ્વારા ટાઉનહોલ તૈયાર કરાતા શહેરીજનોને અનેક પ્રસંગોમાં ખાનગી હોલમાં ભરવા પડતા તગડા ભાડામાંથી મુક્તિ મળશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જુદી જુદી 23 નગરપાલિકાઓમાં 105 કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ કામોનું ઇ-લોકાર્પણ કર્યું છે.